ચીનમાં આજકાલ ઉથલ પાથલનો માહોલ હોવાનુ દેખાઈ રહ્યુ છે. તેમાં પણ ચીનના સંરક્ષણ મંત્રી લી શાંગ ફૂ લાપતા થઈ ગયા હોવાના અહેવાલ સામે આવ્યા બાદ જિનપિંગ સરકાર હચમચી ગઈ છે.
એ પછી સંરક્ષણ મંત્રાલયના ઘણા ટોચના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જિનપિંગ સરકારને ઉથલાવવા માટે કોશિશ થઈ રહી હોવાની અટકળો વચ્ચે જિનપિંગે પોતાના વિરોધીઓને દબાવવા માટે કાર્યવાહી થઈ રહી હોવાનુ મનાઈ રહ્યુ છે.
જેમની ધરપકડ કરાઈ છે તેમાં ચાઈના નોર્થ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના ચેરમેન લી શિકવાન, ચાઈના એરોસ્પેસ સાયન્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના ચેરમેન યુઆન જે, ચાઈના નોર્થ ઈન્ડસ્ટ્રી ગ્રૂપ કોર્પોરેશનના જનરલ મેનેજર ચેન ગુઆઓયિંગ, ચાઈના એવિએશન ઈન્ડસ્ટ્રી કોર્પોરેશનના ચેરમેન તાન રૂઈસોંગનો સમાવેશ થાય છે.
આ પહેલા ચીનના વિદેશ મંત્રી પણ અચાનક ગાયબ થયા હતા. જાણકારોનુ કહેવુ છે કે, ચીનમાં જે પણ ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે તેની પાછળ જિનપિંગ છે. રાષ્ટ્રપતિ જિનપિંગ પોતાના વિરોધીઓને હટાવવા માટે કુખ્યાત છે. ચીનના તાનાશાહે ઘણા લોકોને આ રીતે ગાયબ કરી દીધા છે.
સંરક્ષણ મંત્રી લી શાંગ ફૂ છેલ્લે 29 ઓગસ્ટે જોવા મળ્યા હતા. બિજિંગમાં તેમણે ચીન આફ્રિકા ફોરમના કાર્યક્રમમાં ભાષણ આપ્યુ હતુ અને એ પછી તેમનો કોઈ અતો પતો નથી. તેમના પર કરપ્શનના પણ આરોપ લાગેલા છે. તેઓ સંરક્ષણ મંત્રી બન્યા તે સૈન્ય ઉપકરણ વિકાસ મંત્રાયલમાં મંત્રી હતા. સંરક્ષણ મંત્રી બન્યા બાદ તેમની સામે તપાસ શરૂ થઈ હતી.