વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ બનાવવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મોટી ભેટ આપી છે. સાબરકાંઠા જિલ્લામાં ઇડરથી બડોલી સુધીના ૧૪ કિલોમીટર લાંબા બાયપાસના નિર્માણ માટે કેન્દ્ર સરકારે ₹ ૭૦૫ કરોડ મંજૂર કર્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે આ અંગેની જાહેરાત કરી હતી. આ ફોર લેન બાયપાસ બનવાથી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા ઘટશે અને મહેસાણા તેમજ શામળાજી તરફ જતો ટ્રાફિક પણ સરળ બનશે.
ગુજરાતને મળેલી આ ભેટ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને અંબાજી તેમજ રાજસ્થાન સાથેની કનેક્ટિવિટી પણ વધશે, જેનાથી મુસાફરી વધુ સલામત અને ઝડપી બનશે. મુખ્યમંત્રીએ ડબલ એન્જિન સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે આનાથી રાજ્યમાં માળખાગત સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે.
નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ બાયપાસ સાબરકાંઠામાં નેશનલ હાઇવે-૧૬૮જી પર બનશે. આ હાઇવે મહેસાણાથી શરૂ થઈને વિસનગર, વડનગર, ખેરાલુ, ઇડર, બડોલી, ભીલોડા થઈને શામળાજી પાસે નેશનલ હાઇવે-૪૮ સુધી જાય છે. ઇડરમાંથી આ હાઇવે પસાર થતો હોવાથી શહેરમાં ભારે ટ્રાફિક રહે છે. આ ઉપરાંત, મહેસાણા અને શામળાજી તરફ જતા વાહનો માટે ઇડર એક મહત્વનું જંકશન છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ રોડને ચાર લેનમાં અપગ્રેડ કરવામાં આવશે, જેથી ટ્રાફિકની અવરજવર સરળ અને સુરક્ષિત બનશે.
આ ૧૪.૨ કિલોમીટરનો બાયપાસ મણિયોરથી શરૂ થઈને સાપાવાડા, લાલોડા, સવગઢ છાવણી, બુઢિયા અને વાંસડોલ થઈને બડોલી પાસે શામળાજી હાઇવેને જોડશે. આ બાયપાસમાં ૨ મોટા બ્રિજ, ૧ નાનો બ્રિજ, ૧ રેલવે ઓવરબ્રિજ (આર.ઓ.બી.) અને ૪ વ્હિકલ અંડરપાસ (વીયુપી) બનાવવામાં આવશે. મહેસાણાથી શામળાજી સુધીના ૧૬૮-જી નેશનલ હાઇવેનું નિર્માણ ત્રણ અલગ-અલગ પેકેજમાં ચાલી રહ્યું છે અને આ મંજૂરી બીજા પેકેજ એટલે કે ઇડર-બડોલી બાયપાસ માટે આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આ વિસ્તારના લોકોની મુસાફરી વધુ સુવિધાજનક બનશે.