શિશુવિહાર સંસ્થા ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં ઉમેદવારો માટે યોજાયેલ વાર્તાલાપમાં ગુજરાત જાહેર સેવા આયોગ અધ્યક્ષ હસમુખભાઈ પટેલનું માર્ગદર્શન મળ્યું હતું અને તેઓએ અભ્યાસનો હેતુ માત્ર નોકરી જ નહિ, સમાજ માટે કશુંક સારું કરી બતાવવાનો રાખશો તો સફળ થશો તેમ જણાવ્યું.
ભાવનગરમાં સામાજિક પ્રવૃત્તિ સાથે કેળવણી કાર્યમાં સક્રિય રહેલ શિશુવિહાર પુસ્તકાલય તથા શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન કાર્યક્રમમાં વક્તા તરીકે ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) અધ્યક્ષ હસમુખભાઈ પટેલે જણાવ્યું કે, અભ્યાસનો હેતુ માત્ર નોકરી જ નહિ, સમાજ માટે કશુંક સારું કરી બતાવવાનો રાખશો તો સફળ થશો. તેઓએ જીવનની સફળતા માટે અભ્યાસ પરીક્ષા તેમજ કારકિર્દી બાબતે ચિંતન સભર માર્ગદર્શન આપતાં સૌને પોતાની ક્ષમતા ક્યારેય ઓછી ન આંકવા ભારપૂર્વક જણાવ્યું.
હસમુખભાઈ પટેલે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં સાથે જીવનનાં સંઘર્ષમાં પણ હકારાત્મકતા દાખવવા શીખ આપી અને તેનું સારું પરિણામ આવતું હોવાનું પણ ઉમેર્યું અને ઉમેર્યું કે માત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ થવાં કરતાં જીવનમાં પણ સફળ થવાનું જરૂરી છે. તેમણે આત્મવિશ્વાસ, અપરાધભાવ, કૃતજ્ઞતાભાવ, સર્જનાત્મકતા, નિયમિત વાંચન, માહિતી સાથે સમાજ, જોખમ ખેડવાની તૈયારી, ફરિયાદોથી દૂર રહેવાં, જૂથ સંપર્ક વગેરે પાસાંઓ અંગે છણાવટ કરી. અહીંયા તેઓએ વિદ્યાર્થીઓનાં પ્રશ્નો ઉપર માર્ગદર્શન આપ્યું.
શિશુવિહાર સંસ્થાનાં વડા નાનકભાઈ ભટ્ટે આવકાર ઉદ્બોધન સાથે માનભાઈ ભટ્ટ દ્વારા શ્રી ગોખલે જ્ઞાનમંદિરની અને આ સંસ્થાની વાચન કેળવણીની પ્રવૃત્તિની વાત કરી.
કાર્યક્રમ સંચાલનમાં રહેલ શિક્ષણવિદ્દ છાયાબેન પારેખે ભાવનગરનાં પોલીસ વડા તરીકે હસમુખભાઈ પટેલની પ્રમાણિકતા, નિષ્ઠા સાથે તેમનાં સામાજિક પ્રદાનનો ઉલ્લેખ કર્યો.
આભારવિધિ નગરનાં શિક્ષણવિદ્દ અગ્રણી પરેશભાઈ ત્રિવેદીએ કરતાં વક્તા હસમુખભાઈ પટેલને રચનાત્મક તથા સંવેદનશીલ અધિકારી ગણાવ્યાં હતાં.
શિશુવિહાર સંસ્થા યોજાયેલ આ માર્ગદર્શક વાર્તાલાપ દરમિયાન વિશેષ પ્રવૃત્તિ તારીખપત્રનું વિમોચન કરવામાં આવ્યું. અંહિયા સંકલનમાં બળદેવસિંહ ગોહિલ, વિઠ્ઠલભાઈ સવાણી અને સંસ્થાનાં કાર્યકર્તાઓ રહ્યાં હતાં.