દેશમાં દરરોજ નવા સાયબર ક્રાઈમના (Cyber Crime) કિસ્સાઓ સામે આવી રહ્યા છે. લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે ફ્રોડનો શિકાર બની રહ્યા છે. હાલમાં મોટાભાગના ટ્ર્રાન્સેક્શન UPI દ્વારા કરવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ UPI નો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યા છે. NPCIએ ચેતવણી જાહેર કરી છે કે, લોકોએ પોતાના ખાતામાં રૂપિયા મેળવવા માટે ક્યારેય પણ UPI પિન દાખલ કરવાની જરૂર નથી.
આવી રીતે કરે છે છેતરપિંડી
ઘણી વખત છેતરપિંડી કરનારાઓ QR કોડ ધરાવતા ફિશિંગ ઈમેઇલ્સ મોકલે છે, જે જાણીતી ઈ-કોમર્સ સાઇટ અથવા બેંક સાથે મળતા આવતા હોય છે. આ ઈમેલમાં સામાન્ય રીતે તમારી છેલ્લી ચૂકવણી ફેઈલ થઈ છે તેથી ફરી ચુકવણી કરો’ અથવા ‘આ QR કોડ સ્કેન કરીને તમારું એકાઉન્ટ સક્રિય કરો’ જેવા મેસેજ હોય છે. લોકો વાત સાચી માની લે છે અને સ્કેમર્સની જાળમાં ફસાઈ જાય છે. તેથી UPI QR કોડ દ્વારા ચુકવણી કરતી વખતે હંમેશા સાવચેત રહેવું જરૂરી છે.
QR કોડ દ્વારા થઈ શકે છેતરપિંડી
સૌથી પહેલા ધ્યાનમાં રાખો કે કોઈ અજાણ્યા લોકોને રૂપિયાની ચુકવણી કરતી વખતે QR કોડને સ્કેન કરતી વખતે સાવચેત રહો. તમારો UPI વોલેટ પિન, ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો જેવી કે PIN, વન ટાઈમ પાસવર્ડ (OTP), CVV, એક્સપાયરી ડેટ કે કાર્ડનો પ્રકાર કોઈની સાથે શેર કરશો નહીં.
ફ્રોડથી બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન
- હંમેશા QR કોડ સ્કેન કર્યા બાદ દુકાનદારને તેની બેંક વિશે પૂછો અને માહિતીની ચકાસણી બાદ પેમેન્ટ કરો.
- અજાણ્યા ફોન નંબર અથવા અન્ય કોઈ સોર્સમાંથી મળેલા UPI સંબંધિત કોઈપણ મેસેજ પર વિશ્વાસ ન કરો.
- જો ભૂલથી ખોટા UPIમાં નાણા ટ્રાન્સફર થઈ જાય, તો તરત જ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને ફરિયાદ કરો.
- તમારી સાથે છેતરપિંડી થાય તો તમે ટોલ ફ્રી નંબર 1930 પર કોલ કરી શકો છો અથવા cybercrime.gov.in પર પણ ફરિયાદ નોંધાવી શકો છો.