પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનને તોશખાના કેસમાં ત્રણ વર્ષની કેદ અને રૂ. ૧ લાખના દંડની સજા સંભળાવાઈ છે. પોલીસે લાહોરમાંથી ધરપકડ કરીને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનને પંજાબ પ્રાંતની અટક જેલમાં ધકેલી દીધા હતા.
ઈમરાન પ્રત્યે શાહબાઝ શરીફ સરકારની ખુન્નસનો અંદાજ એ બાબત પરથી આવી શકે છે કે ઈમરાન ખાનને ઈસ્લામાબાદની જેલમાં કેદ કરવાના બદલે અટક જેલમાં ધકેલ્યા હતા, જ્યાં તેમણે ખૂંખાર કેદીઓ સાથે રાત વિતાવી હતી. જોકે, હવે ઈસ્લામાબાદ ટ્રાયલ કોર્ટે ઈમરાન ખાનને રાવલપિંડીની અડિઆલા જેલમાં ખસેડવા આદેશ આપ્યો છે.
પાકિસ્તાન પોલીસે ૭૦ વર્ષીય પીટીઆઈ પ્રમુખની લાહોરમાં તેમના ઘરેથી ધરપકડ કરી હતી, પરંતુ તેમને ઈસ્લામાબાદની જેલમાં લઈ જવાના બદલે પંજાબ પ્રાંતની અટોક જેલમાં મોકલી દેવાયા હતા.
પાકિસ્તાનની જેલમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારની કેટેગરી છે, જેમાં એ કેટેગરીમાં નેતાઓ, પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અથવા લાગવગ ધરાવતા ધનિકોને કેદ કરવામાં આવે છે, જેમાં તેમને મનપસંદ ભોજન અને સંબંધીઓને મળવાની છૂટ અપાય છે. બી કેટેગરીમાં સારા પરિવારના લોકો, જે પારસ્પરિક ઘર્ષણ અથવા ઝઘડાના કારણે જેલમાં ગયા હોય છે તેમને રખાય છે.
પાકિસ્તાનની જેલોમાં સી કેટેગરીની જેલો સૌથી ખતરનાક હોય છે. આ જેલોમાં હત્યા, બળાત્કારના દોષિતો અને ડાકુઓને રાખવામાં આવે છે. પંજાબની ૪૨ જેલોમાંથી માત્ર બે બહાવલપુર અને રાવલપિંડી જેલમાં જ ત્રણેય કેટેગરીની સુવિધા છે. પરંતુ ઈમરાન ખાનને જ્યાં રખાયા હતા તે અટક જેલમાં આવી કોઈ સુવિધા નથી. આમ, ઈમરાન ખાનને સી કેટેગરીવાળા કેદીઓ સાથે રખાયા હતા. અહીં તેમને કોઈ સુવિધાઓ અપાઈ નહોતી.
જોકે, ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે પોલીસને સુરક્ષાના કારણોસર ઈમરાન ખાનને રાવલપિંડીમાં અડિઆલા જેલમાં રાખવા નિર્દેશ આપ્યા છે.
અઘિક જિલ્લા અને સેશન્સ ન્યાયાધીશ હુમાયુ દિલાવરે પંજાબ પોલીસના બદલે ઈસ્લામાબાદ પોલીસના વડાને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનની ધરપકડ કરવા આદેશ આપ્યો હતો. કોર્ટ ઓર્ડરમાં અડિઆલા સુપરીન્ટેન્ડેન્ટને સલામતીના કારણોસર ઈમરાન ખાનને અડિઆલા જેલમાં લઈ આવવા નિર્દેશ આપ્યા હતા.