આણંદની એક યુનિવર્સિટીમાં આજે વિદેશમંત્રી એસ. જયશંકરનું ઈન્ટરેકટિવ સેશન યોજાયું હતું. જેમાં તેમણે કહ્યું કે, કોઈપણ દેશના વિકાસ અને પ્રગતિના માપદંડોમાં એક માપદંડ દેશની સારી યુનિવર્સિટીઓ પણ છે. જો દેશમાં સારી યુનિવર્સિટી ન હોય તો તે દેશ વિકસિત બની નથી શકતો. વિદેશમંત્રીએ પાકિસ્તાન મુદ્દે કહ્યું કે, પાકિસ્તાન હાલ IT (ઈન્ટરનેશનલ ટેરેરિઝમ) અને ભારત IT (ઈન્ફોર્મેશન ટેકનોલોજી)થી ઓળખાય છે.
https://twitter.com/DrSJaishankar/status/1912111751145111876
દેશના વિકાસમાં યુનિવર્સિટીનો ફાળો
ભારત સરકારના વિદેશ મંત્રી એસ.જયશંકરે મંગળવારે આણંદની ચારૂરેટ યુનિ.માં વકતવ્ય આપતા કહ્યું કે, દેશના વિકાસની-પ્રગતિની વાત કરવામા આવે ત્યારે વિવિધ માપદંડોમાંનું એક સારી યુનિવર્સિટી પણ છે. યુનિવર્સિટીઓ દેશની સાચી ઈકોનોમી, સાચી સોસાયટીનું પ્રતિબિંબ છે. જો સારી યુનિવર્સિટી દેશમાં હોય તો નક્કી થાય છે કે તે દેશ પ્રોગ્રેસિવ છે.
ભારતના યુવાનોને ટેલેન્ટ-સ્કિલ્સના આધારે આવકાર મળે છેઃ જયશંકર
વિદેશમંત્રીએ સરદાર પટેલના ચાઈના મુદ્દે તે સમયના વિચારો અને દેશને એક કરવા માટેની મહેનત સાથે તેમની લીડરશીપ-દેશભક્તિને પણ યાદ કરી હતી. દેશના યુવાનો વિદેશમાં જાય છે ત્યારે તે અંગે તેમણે કહ્યું કે, ઈન્ડિયા-વર્લ્ડ કનેકશન વધ્યું છે અને ગ્લોબલ વર્ક પ્લેટફોર્મ ભારતના યુવાનોના ટેલેન્ટ-સ્કિલ્સને લીધે તેમને આવકાર મળી રહ્યો છે. રૂપિયા, પાવર અને ટેક્નોલોજી-પોલિસી ધરાવતા જર્મની-અમેરિકા સહિતના ઘણાં દેશો ભારતના યુવાનોનું ટેલેન્ટ ઈચ્છે છે.
પાકિસ્તાન મુદ્દે વિદેશમંત્રીએ કહ્યું કે, ભારત બદલાયુ છે અને પાકિસ્તાન પણ બદલાયુ હશે તેવુ માનીએ પરંતુ પાકિસ્તાનની ઘણી ખરાબ આદતો છે. પાકિસ્તાન અમેરિકા અને અફઘાનિસ્તાન-તાલિબાન મુદ્દે ડબલ ગેમ રમ્યુ છે.હવે લોકોને ખબર પડી ગઈ છે તેઓ ડબલ ગેમ રમે છે અને જેનો ખરાબ અંત હાલ આવી રહ્યો છે. 26/11નો હુમલો એ દેશમાં મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. તે હુમલા બાદ દેશની પ્રજામાં રોષ ભભુક્યો અને પ્રજાને લાગ્યુ કે પડોશી દેશની આ આ પ્રકારની હરકતો ન ચલાવી લેવાય.
યુક્રેન મુદ્દે તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ સમયે ભારત પર દબાણ હતું. પશ્ચિમી દેશો દ્વારા દબાણ હતું કે ભારત રશિયાનો બહિષ્કાર કરે અને તે સમયે ભારતે જોયું કે પશ્ચિમી દેશો પોતાના ફાયદા માટે વસ્તુ આયાત કરે છે પરંતુ ભારતને પેટ્રોલ ન લેવા દબાણ કરે છે. ભારતે આ વખતે સ્ટેન્ડ લીધું અને પરિસ્થિતિને અનુરૂપ રાષ્ટ્રહિતમાં નિર્ણય લેતા પેટ્રોલની આયાત શરૂ રાખી. જેના કારણે ભાવ કંટ્રોલમાં રહ્યાં અને લોકોને ફાયદો થયો.