ભાવનગરની એક દિવસની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઝવેરચંદ મેઘાણી ઓડિટરીયમ ખાતેથી ભાવનગર જિલ્લામાં રૂ.૩૧૦ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવાસ યોજના અને રીડેવલપમેન્ટ થયેલા મકાનના લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીશ્રીએ પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા મકાનની ફાળવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી કવિ નર્મદને યાદ કરી ગુજરાતી ભાષા દિવસની રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, આજે ભાવનગરના ૧૯૦૦ જેટલા પરિવારોને આવાસ અને જિલ્લાને કુલ રૂ. ૩૧૦ કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ મળી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે દેશના દરેક નાગરિકને ઇઝ ઓફ લિવિંગ આપવાનો સંકલ્પ કર્યો છે.
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતે વિકસિત ગુજરાત@2047 રોડમેપ તૈયાર કર્યો છે. લોકોના લિવિંગ વેલ અને અર્નિંગ વેલ ના બે પાયા પર આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. વિકસિત ભારતની લીડ ગુજરાત લેશે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સેમિકન્ડકટર ક્ષેત્રમાં ગુજરાતને સફળતા મળી છે. ધોલેરામાં બનનારા સેમિકન્ડકટરથી ભાવનગરને વધુ ફાયદો થશે. ભાવનગરમાં 350 કરોડનો રિંગ રોડ બનવાથી આ વિસ્તારની કયાપલટ થશે.
સ્વચ્છતા જાળવવા માટે મુખ્યમંત્રીશ્રીએ માર્મિક ટકોર કરતા કહ્યું કે, આપણે ત્યાં ભણેલા- ગણેલા લોકો પણ સ્કૂટર પરથી કચરો ફેંકે છે એ બાબત યોગ્ય નથી.
આવનારી પેઢીના ભવિષ્ય માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આખુ ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં અગ્રેસર બને તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે ત્યારે આપણે પણ પ્રાકૃતિક કૃષિ અપનાવીને સુખી તથા તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ. પાણી અને પર્યાવરણ બચાવવા માટે પણ તેમણે અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે, ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને વિકાસના નવા આયામો આપવા વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કાર્યરત છે. ભાવનગરને રાજ્યનું ઝડપથી વિકસતું નગર-જિલ્લો બનાવવા સૌ સાથે મળીને કાર્ય કરીએ.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય એ અન્યો રાજ્યો માટે રોલ મોડલ બન્યું છે. ગરીબોને આવાસ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. તેમણે કહ્યું કે, આપણા રાજ્યના મૃદ્દુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજરોજ અનેક લોકોને આવાસો મળ્યા છે તેમને અભિનંદન પાઠવું છું.
આ તકે મેયરશ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડયા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઇન્ચાર્જ કલેકટરશ્રી જી. એચ. સોલંકી, ગુજરાત હાઉસિંગ બોર્ડ સચિવ શ્રી આર. જી. ગોહિલ, હાઉસિંગ બોર્ડ કમિશનર શ્રી એસ. બી. વસાવા, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી સુજીત કુમાર, ડે. હાઉસિંગ ચેરમેન શ્રી એસ.એ. ડોડીયા, આગેવાનશ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી દિવ્યેશ સોલંકી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા.