ભાવનગર જિલ્લામાં મોતીબાગ ટાઉનહોલ ખાતેથી મેયરશ્રી ભરતભાઈ બારડે ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ દિવસ ટી. બી. મુક્ત કેમ્પેઈનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન માટેની મોબાઈલ વાનને તેમણે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે મેયરશ્રી ભરતભાઈ બારડે જણાવ્યું કે, માનવીય અભિગમ દાખવી સરકારે લોકોની આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વાંગી વિકાસને મહત્વ આપી બહુજન હિતાય બહુજન સુખાયના અભિગમને સાર્થક કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટી.બી.ને નાથવા માટે ઝુંબેશરૂપે અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને સહિયારા પ્રયાસોથી સફળ બનાવવા તેમણે સૌને અપીલ કરી હતી. સરકારશ્રીએ વર્ષ- ૨૦૨૫ સુધીમાં ભારતને ટી.બી. મુક્ત ભારત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જે અંતર્ગત દેશનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સમગ્ર દેશમાંથી ટી.બી. રોગ નાબૂદ કરવા પ્રતિબધ્ધ છે.
આ કાર્યક્રમમાં કલેકટર શ્રી આર. કે. મહેતાએ જણાવ્યું કે, ટી.બી.ના દર્દીઓની સરકાર દ્વારા સામૂહિક ચિંતા કરી તેમને નિ:ક્ષય પોષણ યોજના અંતર્ગત મળતી ૫૦૦ ની સહાય વધારીને રૂ. ૧૦૦૦ કરવામાં આવી છે. સરકારે વર્ષ- ૨૦૨૫ સુધીમાં ભારતને ટી.બી. મુક્ત બનાવવાનું જે લક્ષ્ય બનાવ્યું છે. તે દિશામાં ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લામાં ટી.બી.ના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવી જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના હેતુથી 100 દિવસ ટી.બી. કેમ્પેઈન અભિયાન શરૂ કરાવ્યું હતું. આ ઝુંબેશને સફળ બનાવવા સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારી અને અન્ય સમુદાયના સંગઠનો, ફેડરેશનોની સક્રિય ભાગીદારી જરૂરી છે તેમ જણાવ્યું હતું.
આ અભિયાન હેઠળ દેશના ૩૪૭ જિલ્લાઓને પ્રાથમિક ધોરણે આવરી લેવામાં આવનાર છે. જેમાં ગુજરાતના કુલ ૧૬ જિલ્લા અને ૦૪ કોર્પોરેશનની પસંદગી કરવામાં આવી છે જેમાં ભાવનગર જિલ્લાનો પણ શમાવેશ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ટી.બી. થવાનું જોખમ ધરાવતા તમામ વ્યક્તિઓની ટી.બી. અંગેની સ્થળ પર જ તપાસ કરવામાં આવશે.
ભાવનગર જિલ્લામાં ચાલુ સારવાર પર કુલ- ૨૯૭૪ દર્દીઓ છે. હાલ જિલ્લામાં કુલ- ૧૮૩ નિઃક્ષય મિત્રો નોંધાયેલા છે. જેના દ્વારા ટી.બી.ના દર્દીઓને અત્યાર સુધીમાં કુલ-૬૭૬૧ પોષણ કીટ આપવામાં આવેલ છે. દર્દીઓને સરકારશ્રી તરફથી મળતી નાણાંકીય સહાય પેટે ભાવનગર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા કુલ- ૩૧૮૩ ટી.બી.ના દર્દીઓને કુલ રૂ. ૯૨,૭૭,૫૦૦/- જેટલી રકમ ચૂકવવામાં આવેલ છે.
આ પ્રસંગે ટી.બી.ના દર્દીઓને કીટ આપતા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણી કુમારે કર્યું હતું, આભારવિધિ જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. પી. વી. રેવરે કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રૈયાબેન મિયાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી વિક્રમ ડાભી સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, સહિત સ્થાનિક આગેવાનો અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ તથા ટીબીના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા