વિશ્વની સૌથી મોટી ચીપ બનાવતી કંપની એનવીડિયાએ ઓપનએઇની ચેટજીપીટીના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ માટે હજારો એનવીડિયા જીપીયુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કંપનીના સીઇઓ જેનસન હુઆંગ સમયાંતરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)થી ભવિષ્યમાં થનારા ફેરફારો અંગે ચર્ચા કરતા જોવા મળે છે.
તાજેતરમાં તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં એઆઇની મદદથી દરેક વ્યકિત પ્રોગ્રામર હશે અને કોડિંગ શીખવાની જરૂર નહીં પડે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (એજીઆઇ) સિદ્ધ કરી લેવામાં આવશે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આયોજિત ઇકોનોમિક ફોરમને સંબોધતા હુઆંગે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં એઆઇ કોઇ પણ માનવીય પરીક્ષા પાસ કરી શકશે.
તેમણે જણાવ્યું હતું કે હાલમાં એઆઇ લિગલ બાર ટેસ્ટ પાસ કરી શકે છે પણ કેટલાક સ્પેશિયલ ટેસ્ટ પાસ કરવામાં તેને તકલીફ પડે છે. એજીઆઇ અથવા આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિમતાનું એક કાલ્પનિક સ્વરૂપ છે જેમાં મશીન માનવીની જેમ શીખી અને વિચારી શકે છે. ચેટજીપીટીની લોકપ્રિયતા પછી અનેક ટેક નિષ્ણાતો એજીઆઇની વાત કરતા થયા છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે એજીઆઇ ખતરનાક છે અને માનવંતા સામે ખતરો છે.જ્યારે કેટલાક નિષ્ણાતો માને છે કે તે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે.