રામ મંદિરમાં હવે ભક્તો સોનાની અનોખી રામાયણના દર્શન કરી શકશે. ગર્ભગૃહમાં આ રામાયણની વિધિવત સ્થાપના કરી દેવામાં આવી છે. આ ખાસ રામાયણ મધ્યપ્રદેશ કેડરના પૂર્વ IAS સુબ્રમણ્યમ લક્ષ્મીનારાયણ અને તેમની પત્ની સરસ્વતીએ રામ મંદિર ટ્રસ્ટને ભેટ કરી છે. મંગળવારે નવરાત્રીના પ્રથમ દિવસે રામાયણની સ્થાપન દરમિયાન લક્ષ્મી નારાયણ તેમની પત્ની સાથે હાજર રહ્યા હતા.
આ રામાયણના પુસ્તક ચેન્નાઈના પ્રસિદ્ધ વુમમિડી બંગારુ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. રામાયણને ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિથી માત્ર 15 ફૂટના અંતરે એક પથ્થરના આસન પર રાખવામાં આવી છે. તેના શીર્ષ પર ચાંદીનો બનેલો રામનો પટ્ટાભિષેક છે. આ દરમિયાન રામ મંદિર નિર્માણના પ્રભારી ગોપાલ રાવ, પૂજારી પ્રેમચંદ ત્રિપાઠી સહીત અન્ય લોકો હાજર રહ્યા હતા.
સોનાની રામાયણની વિશેષતા
આ વિશેષ પ્રતિકૃતિનું દરેક પૃષ્ઠ 14 બાય 12 ઈંચના કદનું અને તાંબાથી બનેલું છે. જેના પર રામ ચરિત માનસના શ્લોકો અંકિત છે. 10,902 છંદ વાળા આ મહાકાવ્યના દરેક પૃષ્ઠ પર 24 કેરેટ સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. ગોલ્ડન પ્રતિકૃતિમાં લગભગ 480-500 પૃષ્ઠો છે અને તે 151 કિલો તાંબા અને 3-4 કિલોગ્રામ સોનાથી બનેલી છે. દરેક પૃષ્ઠ ત્રણ કિલોગ્રામ તાંબાનું છે. ધાતુથી બનેલી આ રામાયણનું વજન 1.5 ક્વિન્ટલથી વધુ છે.