હર હાથ મોબાઈલ અને હર ઘર વેહિકલના આજના જગતમાં નેવિગેશન સિસ્ટમ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ એક એવું ક્ષેત્ર છે જેની પાંખો આગામી સમયમાં સતત વિસ્તરતી જ જવાની છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ તાજેતરમાં જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં ભારતના લોકોને સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NavIC (Navigation with Indian Constellation) નો વપરાશ કરવા મળશે. ચાલો જાણીએ કે શું છે આ નેવિગેશન સિસ્ટમ અને એ કઈ રીતે કામ કરે છે.
નેવિગેશન સિસ્ટમ એટલે શું?
નેવિગેટનો અર્થ થાય ‘નકશા વગેરેના ઉપયોગ થકી કોઈ સ્થાને પહોંચવું’. તેથી, ધરતી પર વિચરતા લોકો અને વાહનોનું સ્થાન નક્કી કરવા માટે અને એમને ગંતવ્યસ્થાન સુધી પહોંચાડવા માટે જે સિસ્ટમ કામ લાગે એને નેવિગેશન સિસ્ટમ કહેવામાં આવે છે. આપણે અજાણ્યા સ્થળોએ મોબાઈલમાં કે વાહનમાં ગૂગલ મેપનો ઉપયોગ કરીને રસ્તો જોઈ-જોઈને ઈચ્છીત સ્થાને પહોંચીએ, એ પણ એક પ્રકારનું નેવિગેશન જ થયું.
નેવિગેશન સિસ્ટમ ક્યાં ક્યાં કામ લાગે છે?
- નેવિગેશન સિસ્ટમ રસ્તા પર ચાલતા વાહનને તેનું સ્થાન નક્કી કરવામાં અને ગંતવ્ય સ્થાને જવા માટે દિશાનિર્દેશ કરવામાં મદદ કરે છે. જે રસ્તે ડ્રાઈવર આગળ વધી રહ્યો છે, એ રસ્તામાં જો કોઈ અડચણ હોય, કોઈપણ કારણસર રસ્તો બંધ હોય, તો એની માહિતી પણ નેવિગેશન સિસ્ટમ ડ્રાઈવરને અગાઉથી આપી દે છે, જેથી ડ્રાઈવર નવો રસ્તો લઈ શકે.
- બિલકુલ એ જ પ્રકારે નેવિગેશન સિસ્ટમ દરિયાઈ જહાજો અને વિમાનોને પણ મદદરૂપ થાય છે.
- નેવિગેશન સિસ્ટમ દ્વારા લશ્કરી વાહનોને પણ દિશાદર્શન મળે છે, જે યુદ્ધ જેવી કટોકટીના સમયમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.
- તમે ઈન્ટરનેટ પર કંઈક શોધતા હો, ઉદાહરણ તરીકે ‘નજીકની વેજિટેરિયન રેસ્ટોરન્ટ’, ત્યારે ઈન્ટરનેટ તમારી જોઈતી વસ્તુ/સ્થાનના વિકલ્પ રજૂ કરે એ પહેલાં તમે ક્યાં છો, એ જાણી લેવા માટે તમારું લોકેશન શોધવામાં આવે છે અને એના આધારે તમારી નજીકના વિકલ્પો તમને દેખાડવામાં આવે છે.
NavIC ની શરૂઆત અને એનો વિકાસ
NavIC એ 7 ઉપગ્રહોનું એક જૂથ છે, જે ભારતમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) સેવા પ્રદાન કરે છે. આ પ્રોજેક્ટ પર 2006 માં કામ શરૂ થયું હતું. શરૂઆતમાં એનું નામ ‘ભારતીય પ્રાદેશિક નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ’ (IRNSS – Indian Regional Navigation Satellite System) હતું. એનો પ્રથમ ઉપગ્રહ ‘IRNSS-1A’ 1 જુલાઈ, 2013 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. 2016 માં ‘IRNSS-1G’ નામનો સાતમો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો એ પછી એનું નામ NavIC કરવામાં આવ્યું હતું.
NavIC ની વર્તમાન કાર્યક્ષમતા અને આગામી લક્ષ્યાંકો
હાલના તબક્કે NavIC ભારત અને તેની આસપાસના 1500 કિમી સુધીના વિસ્તારને આવરી લે છે. હવે એમાં વધુ 3,000 કિમી સુધીના વિસ્તરણની યોજના છે. એના માટે નવા 7 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે.
હાલમાં દુનિયામાં કાર્યરત નેવિગેશન સિસ્ટમ કઈ કઈ છે?
હાલમાં દુનિયામાં અમેરિકાની GPS, રશિયાની GLONASS, યુરોપની Galileo અને ચીનની BeiDou જેવી નેવિગેશન સિસ્ટમ્સ કાર્યરત છે જ, જેના થકી ભારતીયો અને દુનિયાના અન્ય દેશોના નાગરિકોનું કામ ચાલી જાય છે, તો પછી તોતિંગ ખર્ચ કરીને ભારતે શા માતે પોતાની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ શરૂ કરવી પડી?
ભારતને આ કારણસર સ્વદેશી નેવિગેશન સિસ્ટમની જરૂર પડી
1999 માં ભારત-પાકિસ્તાન વચ્ચે કરગિલ યુદ્ધ થયેલું ત્યારે ભારતીય સૈન્યને GPS ડેટાની જરૂર પડેલી, પણ અમેરિકાએ જરૂરી ડેટા અપવાની મનાઈ કરી દીધેલી, જેને લીધે ભારતના સૈનિકોને કારગિલમાં મુશ્કેલી પડેલી. નેવિગેશન સિસ્ટમ બાબતે ફરીથી બીજા દેશોના ઓશિયાળા ન બનવું પડે, એ માટે એ ઘટનામાંથી બોધ લઈને ભારતે દેશની સ્વાયત્ત ઉપગ્રહ નેવિગેશન સિસ્ટમ બનાવવાની દિશામાં પગરણ માંડ્યા છે. આવા જ કારણસર જાપાને પણ પોતાની આગવી QZSS નેવિગેશન સિસ્ટમ વિકસાવી છે.
નાગરિક સેવામાં હાજર થશે NavIC
હાલમાં ભારતના લોકો એમના મોબાઈલ ફોનમાં NavIC સિસ્ટમનો ઉપયોગ નથી કરી શકતા, પણ ટૂંક સમયમાં આ શક્ય બનશે. વર્ષ 2025થી ઈસરોએ દર વર્ષે નવા સેટેલાઈટ લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
GPS કરતાં વધુ કાર્યક્ષમ હશે NavIC
NavIC ના નવીનતમ ઉપગ્રહ સ્વદેશી રીતે વિકસિત અણુ ઘડિયાળ, સુધારેલ એન્ક્રિપ્શન સિસ્ટમ્સ અને સિવિલ મોબાઈલ વપરાશ માટે L1 ફ્રીક્વન્સી બેન્ડ ધરાવે છે. NavIC ના ઓપરેશનલ સિદ્ધાંતો અને કાર્યપદ્ધતિ GPS જેવા જ છે, પરંતુ ભારતની માલિકીની આ નેવોગેશન સિસ્ટમ GPS કરતાં વધુ આધુનિક અને સચોટ છે. GPS અત્યારે 15 થી 20 મીટર જેટલી લોકેશન ચોકસાઈ આપે છે; NavIC 5 મીટરની ચોકસાઈ આપશે.