ભારતની અર્થવ્યવસ્થા દિવસેને દિવસે પાંચ ટ્રીલીયન ઇકોનોમિક લક્ષ્યાંકને હાંસલ કરવા આગળ વધતી જાય છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમાં મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.તો આજ દિશામાં એક અભ્યાસ દ્વારા એવું પણ સામે આવ્યું છે કે ભારતની માથાદીઠ આવક 70 ટકા થી વધીને FY2030 સુધીમાં 4,000 ડોલર સુધી પહોંચી જશે, જે FY2023માં માથાદીઠ આવક 2,450 ડોલર જોવા મળે છે. તેના કારણે ભારતની GDPને પણ મોટો ટેકો મળશે અને તે 6 ટ્રિલિયન ડોલરની આસપાસ પહોંચી જશે. આ સમયગાળા દરમિયાન ભારતના અડધાથી વધુ GDP સ્થાનિક વપરાશમાંથી આવશે.
ભારતની માથાદીઠ આવકમાં ઝડપી વૃદ્ધિ
છેલ્લા 20 વર્ષમાં ભારતની માથાદીઠ આવકમાં હાલ ઝડપથી વધારો થયો છે. 2001માં તે 460 ડોલર હતી, જે વધીને 2011માં 1,413 ડોલર અને 2021માં 2,150 ડોલર થઇ ગઈ હતી.
નિકાસના આધારે ભારતીય અર્થતંત્રનો વિકાસ
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં ભારતની નિકાસ ઝડપથી દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે. તે નાણાકીય વર્ષ 2022-23માં $1.2 ટ્રિલિયનથી 2030 સુધીમાં $2.1 ટ્રિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. જ્યારે ભારતની અર્થવ્યવસ્થાનું કદ 3.5 ટ્રિલિયન ડોલર હતું. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન ભારતમાં સ્થાનિક વપરાશ પણ ઝડપથી વધશે અને તે 2030 સુધીમાં $3.4 ટ્રિલિયન સુધી પહોંચી જશે, જે નાણાકીય વર્ષ 2022-23માં $2.1 બિલિયન છે.
ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનશે
ગયા અઠવાડિયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેઓ સુનિશ્ચિત કરશે કે તેમના આગામી કાર્યકાળ દરમિયાન અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બને, જે યુએસ અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. હાલમાં જાપાન ત્રીજા અને જર્મની ચોથા ક્રમે છે.
આ રાજ્યો મોખરે રહેશે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. 2030 સુધીમાં, દેશના GDPના 20 ટકા તેલંગાણા, દિલ્હી, કર્ણાટક, હરિયાણા, ગુજરાત અને આંધ્રપ્રદેશમાંથી આવશે અને 2030 સુધીમાં આ રાજ્યોની માથાદીઠ આવક 6000 ડોલરની નજીક હશે. યુપી અને બિહાર જ્યાં દેશની કુલ વસ્તીના 25 ટકા લોકો રહે છે. ત્યાં 2030 પછી પણ માથાદીઠ આવક 2000 ડોલરની નીચે રહેશે.