ભારત અને કેનેડા વચ્ચે નિજ્જરની હત્યા કેસ મામલે સંબંધો વણસ્યા છે. કેનેડા સાથે ચાલી રહેલા વિવાદ પર ભારતે કડક વલણ અપનાવવાનું યથાવત રાખ્યું છે. સરકારે ફરી એકવાર તમામ દેશોના રાજદ્વારીઓની હાજરીમાં સમાનતાની વાત કરી છે. મહત્વની વાત એવી છે કે ભારતે પહેલાથી જ કેનેડાના 41 રાજદ્વારીઓને પરત બોલાવવાનો આદેશ આપી દીધો છે.
સમાનતાના વલણ પર ભારત અડગ રહેશે
આ મામલે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સ્પષ્ટ કર્યું કે ભારત ‘સમાનતા’ના તેના વલણ પર અડગ છે. અગાઉ પણ અમે સમાનતાની વાત કરતા આવ્યા છીએ. અમે રાજદ્વારી હાજરીમાં સમાનતાની વાત માટે પ્રતિબદ્ધ છીએ. જેને લઈને અમે કેનેડિયન અધિકારીઓના સંપર્કમાં છીએ. ભારતમાં કેનેડાના લગભગ 62 રાજદ્વારીઓ છે. ખાસ વાત એ છે કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સંખ્યા ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સરખામણીમાં ઓછી છે.
વિદેશ મંત્રી જયશંકરે ચોક્કસ પુરાવાની કરી માગ
વિદેશ મંત્રી જયશંકરે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે નિજજરની હત્યા મુદ્દે કેનેડા અને ભારતે પરસ્પર સીધી વાતચીત કરવી જોઈએ અને તેમના મતભેદો કેવી રીતે દૂર કરી શકાય તે અંગે ચર્ચા કરવી જોઈએ. તેઓ તેમના આરોપો અંગે ચોક્કસ પુરાવા આપવા તૈયાર હોય તો અમે તેના તરફ ધ્યાન આપીશું.
આ રાજદ્વારી છૂટ શું છે?
જે લોકો વિદેશમાં રહીને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે તેમને રાજદ્વારી છૂટ આપવામાં આવે છે. તેનાથી વિદેશમાં આવા લોકોને કાયદાકીય રક્ષણ મળે છે. રાજદ્વારી છૂટની આ પરંપરા ઘણી જૂની માનવામાં આવે છે. આ તે દૂતને આપવામાં આવતી હતી જેઓ તેમના રાજાનો સંદેશ લઈને અન્ય રાજ્યોમાં જતા હતા. બ્રિટાનિકા અનુસાર, રાજદ્વારી છૂટના કાયદામાં રોમન સામ્રાજ્યમાં વધુ મજબૂતી લવાઈ હતી. આજે વિદેશમાં તહેનાત રાજદ્વારીઓને આપવામાં આવતી છૂટ 1961ના વિયેના કન્વેન્શનથી શરૂ થઈ છે.
વિયેના કન્વેન્શન શું છે?
ભારત સહિત 187 દેશો વિયેના કન્વેન્શન માટે સંમત થયા હતા. તે અનુસાર તમામ ‘રાજદ્વારી એજન્ટો’ જેમાં ડિપ્લોમેટિક સ્ટાફ, વહીવટી, તકનીકી અને સેવા સ્ટાફનો સમાવેશ થાય છે. તે તમામને ગુનાહિત ક્ષેત્રમાંથી મુક્તિ આપવામાં આવી છે. વિયેના કન્વેન્શન વિદેશમાં તહેનાત રાજદ્વારીઓને સિવિલ કેસમાં પણ છૂટ આપે છે. જો કે મામલો ભંડોળ અને મિલકત સાથે સંબંધિત ન હોય તો. આ રાજદ્વારી છૂટ રાજદ્વારી અને તેના પરિવારને પણ મળે છે. ગંભીર ફોજદારી કેસમાં રાજદ્વારી પરિવારના કોઈ સભ્યને છૂટ મળતી નથી.