સેમિકન્ડક્ટર આજે સૌ કોઈની જરૂરિયાત બની ગયું છે અને તે ભવિષ્યની સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાતોમાંની એક બનવા જઈ રહ્યું છે. તેથી ભારત આ ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે અને PM નરેન્દ્ર મોદીએ આજે આ અંગે મોટી જાહેરાત કરી છે. સેમિકોન ઈન્ડિયા 2024ને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, અમારું સપનું છે કે વિશ્વના દરેક ઈલેક્ટ્રોનિક્સમાં ભારતમાં બનેલી ચિપ લાગેલી હોય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે રોકાણ માટેની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, જો ભારતને વૈશ્વિક પૂરવઠા શૃંખલામાં સ્થાન બનાવવું હોય તો તેના માટે સ્પર્ધાત્મક બનવું એક મહત્વપૂર્ણ શરત છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે સેમિકન્ડક્ટર સ્માર્ટફોનથી લઈને ઇલેક્ટ્રિક વાહનો અને AI સુધી દરેક વસ્તુનો મુખ્ય આધાર છે.
કોવિડના સમયગાળાએ સેમિકન્ડક્ટરનું મહત્વ સમજાવ્યું
સેમિકોન ઈન્ડિયા 2024માં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારીએ સેમિકન્ડક્ટર્સ અને તેમની સપ્લાય ચેઈનની જરૂરિયાત સામે લાવી છે. આપત્તિની આ ઘડીમાં, ભવિષ્યની ઉજ્જવળ તકની ઓળખ થઈ. તેથી, તેમણે ભવિષ્યમાં આને લગતા કોઈપણ વિક્ષેપને દૂર કરવા પગલાં લેવાની જરૂરિયાત નોંધી છે.
ભારત ઘણા ક્ષેત્રોમાં સ્પર્ધાત્મક બની રહ્યું છે
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સપ્લાય ચેઇનની સ્પર્ધાત્મકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત તેની અર્થવ્યવસ્થાના ઘણા ક્ષેત્રોમાં તેને વિકસાવવા માટે કામ કરી રહ્યું છે પીએમ મોદીએ કહ્યું કે ભારતની વર્તમાન સુધારાવાદી સરકાર આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે.
આ માટે સરકારે સ્થિર નીતિઓ બનાવી છે. ભારત તેના માટે એક મોટું બજાર પણ છે અને બજારની વાત કરીએ તો સરકારે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં રોકાણ માટે મજબૂત આધાર તૈયાર કર્યો છે અને આ માટે ટેક્નોલોજીની મદદ લીધી છે.
ભારતમાં બનેલી ચિપ વિશ્વના દરેક ઉપકરણમાં હોવી જોઈએ
આ અવસર પર પીએમ મોદીએ પોતાના એક સપનાની પણ વાત કરી. તેમણે કહ્યું, “અમારું સપનું છે કે વિશ્વના દરેક ઉપકરણમાં ભારતમાં બનેલી ચિપ હોય. અમે સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતને વિશ્વ મહાસત્તા બનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું.”
તેમણે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે તેમની સરકારના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા પગલાઓની ચર્ચા કરી છે. દેશમાં ચિપ મેન્યુફેક્ચરિંગ માટે “થ્રી-ડી પાવર” ની વિભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં સુધારાવાદી સરકારની સ્થિર નીતિઓ, મજબૂત ઉત્પાદન આધાર અને મહત્વાકાંક્ષી બજાર દ્વારા ટેક્નોલોજી અપનાવવાનો સમાવેશ થાય છે.
આજનુ ભારત વિશ્વમાં આત્મવિશ્વાસની પ્રેરણા આપે છે. જ્યારે સમય આવે છે, ત્યારે તમે ભારત પર વિશ્વાસ કરી શકો છો. તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર સેક્ટરમાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થઈ ચૂક્યું છે અને હજુ ઘણાબધા પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાં છે.