નવા આવનારાઓને આવકારવાવાળો દેશ કેનેડા હવે પહેલાની જેમ લોકોને આવકારવા માંગતો નથી. કેનેડા હવે ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે અને એના માટે નિયમો વધી કડક કરી રહ્યું છે. એક મીડિયા અહેવાલમાં કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરને ટાંકીને જણાવવામાં આવ્યું કે તેઓ હાલ ટેમ્પરરી ઇમિગ્રેશનને કન્ટ્રોલ કરવા માંગે છે. કેનેડામાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવી છે. જેને ધ્યાનમાં રાખીને તેમણે કેનેડામાં રહેતા અનડોક્યુમેન્ટેડ લોકોને કોઈ લીગલ સ્ટેટસ આપવાનો પ્લાન નથી.
માર્ક મિલરે કહ્યું કે હવે કેનેડા આવવા માટેનાં બધા જ પ્રોગ્રામ પર લિમિટ લાગી જવાની છે. તાત્કાલિક તો ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટી નહીં જાય, પણ બધું ધીમે-ધીમે થઈ જશે. હાલની લિબરલ સરકારની નીતિના કારણે કેનેડામાં ટેમ્પરરી ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘણી વધી ગઈ છે. ઘણી કંપનીમાં ઘણી વેકેન્સીઓ હતી અને તેના પર ભરતી માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. દેશમાં પરવડે તેવી હાઉસિંગની બગડતી પરિસ્થિતિ માટે ઇમિગ્રન્ટ્સને દોષિત માનવામાં આવી રહ્યા છે.
કેનેડાની હાલની સ્થિતિ એવી છે કે અહીં હાઉસિંગની સગવડ નથી, ભાડા વધી ગયા છે, મોંઘવારી વધી છે. એવામાં અહીં ઇમિગ્રન્ટ્સને દોષિત ઠેરવવામાં આવે છે. કેનેડામાં ગયા મહિને કરવામાં આવેલા એક પોલ અનુસાર, 60 ટકા લોકોએ જણાવ્યું હતું કે કેનેડામાં ઘણા બધા ઇમિગ્રન્ટ્સ આવી રહ્યા છે.
કેનેડાની સરકારે પહેલાથી જ કેટલાક પગલાંની રૂપરેખા આપી છે. જાન્યુઆરીમાં તેણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર બે વર્ષની મર્યાદાની જાહેરાત કરી હતી. માર્ચમાં ઇમિગ્રેશન મિનિસ્ટરે કેનેડાની ટેમ્પરરી ઇમિગ્રેશન પર પ્રથમ વખતની કેપની જાહેરાત કરી હતી. કેનેડા 2023 માં 6.2% થી આગામી ત્રણ વર્ષમાં કુલ વસ્તીના 5% સુધી ટેમ્પરરી ઇમિગ્રન્ટ્સ ઘટાડવા માંગે છે. કેનેડામાં 2023 માં 2.5 મિલિયન ટેમ્પરરી ઇમિગ્રન્ટ્સમાંથી લગભગ 20% જેટલો ઘટાડો થશે.
તેના તાજેતરના નાણાકીય નીતિના અહેવાલમાં, બેંક ઓફ કેનેડાએ શંકા વ્યક્ત કરી કે સરકાર તેના ટેમ્પરરી ઇમિગ્રન્ટ્સના લક્ષ્યને પૂર્ણ કરી શકે. સાથે જ જણાવ્યું કે એપ્રિલ સુધીમાં દેશની વસ્તીના 6.8% ટેમ્પરરી ઇમિગ્રન્ટ્સ હતા, નજીકના સમયમાં આમાં વધારો થશે.
દરમિયાન, ઇમિગ્રેશન અને રેફ્યુજી બોર્ડના જણાવ્યા મુજબ, કેનેડામાં જૂનમાં 18,000 થી વધુએ રેફ્યુજીનો દાવો કર્યો. મિલરે જણાવ્યું હતું કે આશ્રય મેળવનારાઓને આવતા અટકાવવા માટે સરકાર અસ્થાયી નિવાસી વિઝા પર કડક માપદંડ લાદી શકે છે. સરકારે અગાઉ પણ કહ્યું હતું કે તે બિનદસ્તાવેજીકૃત રહેવાસીઓને દરજ્જો આપવા માટે નિયમિતકરણ કાર્યક્રમને અનુસરશે.