25 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ ઉડાનની ઉડાન ભર્યા બાદ ટ્વીટ કરીને તેજસની પ્રશંસા કરી અને તેની સ્વદેશી ક્ષમતાઓ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદી તરફથી પ્રશંસા મળ્યા બાદ એરફોર્સ 97 સ્વદેશી ફાઈટર જેટ તેજસ ખરીદવાની યોજના બનાવી રહી છે. એરફોર્સે તેજસ LCA Mk1A જેટ ખરીદવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ જેટ 7 અબજ ડોલર એટલે કે 67,000 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે.
DACની બેઠકમાં તેજસ ખરીદવા પર નિર્ણય લેવાશે
જો કે સંરક્ષણ મંત્રાલય તરફથી હજુ મંજૂરી મળવાની બાકી છે. રક્ષા મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી) સંરક્ષણ સોદા અંગે અંતિમ નિર્ણય લે છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેના અધ્યક્ષ છે. 30મી નવેમ્બરે DACની બેઠક યોજાવાની છે, જેમાં તેજસ ખરીદવાના પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવશે.
2024માં 83 તેજસ જેટનો સમાવેશ થશે
પહેલાથી જ ભારતીય વાયુસેના દ્વારા તેજસ Mk1 જેટના બે સ્ક્વોડ્રનનું સંચાલન કરવામાં આવે છે, જેમાં પ્રારંભિક અને અંતિમ ઓપરેશનલ ક્લિયરન્સ વેરિઅન્ટમાં 20 સ્ક્વોડ્રનનો સમાવેશ થાય છે. વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિની મંજૂરી બાદ, 83 LCA MK1A વેરિઅન્ટ્સ માટે યુએસ $6 બિલિયનનો ઓર્ડર ફેબ્રુઆરી 2021માં HAL સાથે મૂકવામાં આવ્યો હતો, જેની ડિલિવરી 2024 સુધીમાં થશે. આનો ઉપયોગ 1960ના દાયકાના સોવિયેત યુગના મિગ-21ને બદલવા માટે કરવામાં આવશે. 83 તેજસ ખરીદવા માટે રૂ. 46,898 કરોડના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને હવે એરફોર્સ વધુ 97 તેજસ જેટ એરક્રાફ્ટ ખરીદવાની યોજના બનાવી રહી છે. જો પ્રસ્તાવ મંજૂર થશે તો 180 તેજસ જેટનો સમાવેશ થશે.
આવનારા સમયમાં વાયુસેનાનો મહત્વનો ભાગ બનશે તેજસ
83-જેટ ઓર્ડરમાં LCA Mk1A ના સાત ટ્રેનર વેરિઅન્ટનો પણ સમાવેશ થાય છે. આ રીતે, તેજસ એરક્રાફ્ટનો આ સેટ ભારતીય વાયુસેનાના ઓછામાં ઓછા ચાર ફાઇટર સ્ક્વોડ્રનને સજ્જ કરવા માટે પૂરતો હશે. જો 97 તેજસ જેટ ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવે તો આ વધારાના તેજસ એરક્રાફ્ટ અન્ય પાંચ ફાઈટર સ્ક્વોડ્રન માટે પૂરતા હશે. આમ, તેજસ આગામી વર્ષોમાં ભારતીય વાયુસેનાની લડાયક શક્તિનો એક મહત્વપૂર્ણ ભાગ બનશે, જેમાં 42 મંજૂર ફાઇટર સ્ક્વોડ્રનમાંથી ઓછામાં ઓછા દસ સ્વદેશી ફાઇટર જેટનું સંચાલન કરશે.
તેજસ જેટ ખરીદવા માટે ઘણા દેશો છે તત્પર
આર્જેન્ટિના, નાઇજીરિયા, ફિલિપાઇન્સ અને ઇજિપ્ત જેવા દેશોને તેજસ જેટ ખરીદવામાં રસ છે જે બાબતે HAL તેજસના નિકાસની શક્યતાઓ શોધી રહી છે. તેજસની વિશેષતાઓથી તે દેશ ખૂબ પ્રભાવિત છે, પરતું હજુ સુધી કોઈ દેશ તરફથી કોઈપણ પ્રકારની ડીલ ફાઈનલ થઇ નથી. આર્જેન્ટિનાના સંરક્ષણ પ્રધાન જોર્જ ટેનાએ HAL ખાતે તેજસ જેટની વિશેષતાઓની સમીક્ષા કરી હતી. જો કે, એવા અહેવાલો છે કે આર્જેન્ટિના સાઉથ અમેરિકાના F-16 થી વધુ પ્રભાવિત છે અને તેના માટે સોદો પણ કરી શકે છે.
અમેરિકા પણ તેજસથી પ્રભાવિત
નાઈજીરીયાએ પણ તેજસમાં રસ દેખાડ્યો છે. તાજેતરમાં HALના એન્જિનિયરો પણ 12 તેજસ જેટના સોદા માટે ફિલિપાઈન્સના મનીલા ગયા હતા. જો કે, ફિલિપાઈન્સ તેના FA-50 ફાઈટર જેટ અંગે સાઉથ કોરિયા સાથે પણ વાતચીત કરી રહ્યું છે, તેથી તેજસ ડીલ અંગે શંકા છે. આ દેશો સાથે ડીલ રોકવા પાછળનું કારણ ગમે તે હોય, પરંતુ આ તમામ દેશો તેજસથી ખૂબ જ પ્રભાવિત છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયાએ પણ તેજસમાં રસ દાખવ્યો છે.
તેજસની વિશેષતાઓ
- એલ્યુમિનિયમ, લિથિયમ એલોય, કાર્બન ફાઇબર કમ્પોઝીટ અને ટાઇટેનિયમ એલોય સ્ટીલની બોડી ધરાવે છે
- તેજસ હળવા વજનના ફાઇટર એરક્રાફ્ટ છે
- તેનું વજન 6560 કિલો છે અને તે 1.6 Mach ની ઝડપે ઉડે છે
- લેન્ડિંગ અને ટેક ઓફ માટે ઓછી જગ્યાની જરૂર પડે છે
- તેમાં સ્થાપિત રડારને કારણે તે હવાથી હવામાં અને હવાથી જમીન પરના હુમલામાં અસરકારક છે
- તે તમામ પ્રકારના હવામાનમાં કામ કરી શકે છે અને તેના 50 ટકા સ્પેરપાર્ટસ ભારતમાં જ બનાવવામાં આવે છે
એરફોર્સમાં તેજસને સામેલ કરવાની તૈયારી 18 વર્ષ પહેલા શરૂ થઈ હતી
1983માં જ તેજસને એરફોર્સમાં સામેલ કરવાની તૈયારીઓ શરુ થઈ ગઈ હતી. તેને બનાવવા પાછળ બે ઉદેશ્ય હતા. જેમાં એક તો રશિયન ફાઈટર જેટ મિગ-21ના વિકલ્પ તરીકે નવું ફાઈટર જેટ બનાવવાનો અને બીજો લાઇટ ફાઈટર જેટ બનાવવાનો હતો. જાન્યુઆરી 2001માં અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન તેજસે તેની પ્રથમ ઉડાન ભરી હતી. અટલ બિહારી વાજપેય દ્વારા જ LCAનું નામ તેજસ રાખતા તેમણે કહ્યું હતું કે તેજસ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે તેજ.