એશિયન ડેવલપમેન્ટ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો જીડીપી ગ્રોથ અંદાજ 0.3 ટકા વધારી 7 ટકા કર્યો છે. એડીબીએ અગાઉ 6.7 ટકાનો અંદાજ આપ્યો હતો. દેશમાં ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં રોકાણો વધવાની સાથે માગ વધવાની શક્યતા દર્શાવી છે. જેના પગલે ગ્રોથ અંદાજ વધાર્યો છે.
ભારતના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં ઝડપી અને મજબૂત ગ્રોથ નોંધાયો છે. ગ્રાહકોની માગમાં પણ સુધારાના કારણે એકંદરે ગ્રોથમાં સુધારો જોવા મળ્યો છે. ફુગાવામાં ઘટાડાના પગલે મોનેટરી પોલિસીમાં પણ સુધારાનો આશાવાદ છે. નાણાકીય વર્ષ 2025-26 માટે એડીબીએ જીડીપી ગ્રોથ અંદાજ 7.2 ટકા નિર્ધારિત કર્યો છે.
તાજેતરમાં જ વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2024-25 માટે જીડીપી ગ્રોથ અંદાજ 0.2 ટકા વધારી 6.6 ટકા કર્યો છે. વર્લ્ડ બેન્કે ગત નાણાકીય વર્ષ માટે ભારતનો જીડીપી અંદાજ 1.2 ટકા વધારી 7.5 ટકા કર્યો છે. વર્લ્ડ બેન્કે સર્વિસ અને ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં તેજીની શક્યતા દર્શાવતાં અંદાજ વધાર્યો હોવાનું જણાવ્યું છે. આરબીઆઈએ રિઅલ જીડીપી ગ્રોથ અંદાજ 6.70 ટકાથી સુધારી 7 ટકા કર્યો હતો. રિટેલ મોંઘવારીનો અંદાજ પણ 4.5 ટકા નોંધાવ્યો હતો.
છેલ્લા 3 વર્ષથી ગ્રોથ વધ્યો
ભારતનું અર્થતંત્રે 2022-23માં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથ સાથે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી હતી, ત્યારથી અત્યારસુધીમાં આકર્ષક ગ્રોથ સાથે વેગવાન બન્યું છે. આગામી 2024-25 અને 2025-26માં પણ આ મોમેન્ટમ જળવાઈ રહેવાનો આશાવાદ છે. દેશમાં વપરાશ માગમાં સતત સુધારાની સાથે રોકાણો વધી રહ્યા છે. ફુગાવો પણ નિયંત્રણ હેઠળ હોવાની સાથે વૈશ્વિક વલણો પણ સકારાત્મક જણાઈ રહ્યા છે.
દેશની આર્થિક સ્થિતિને ટ્રેક કરવા માટે ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ (જીડીપી)ની ગણતરી કરવામાં આવે છે. જે તમામ ગુડ્સ અને સર્વિસિઝના મૂલ્યો દર્શાવે છે. જેમાં દેશમાં ઉત્પાદન કરતી વિદેશી કંપનીઓને પણ આવરી લેવામાં આવે છે.