અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના છ સભ્યોને ધરપકડ કરી છે, જેમાં એક નાઇજિરિયન નાગરિક મેડુફોર સ્ટીવ ઉઝોચી અને ભારતીય સાથીદારો કૃષ્ણમતી ચૌધરી, મહેશ ચૌધરી, સલીમ શેખ, ત્રિજુગીલાલ કુર્મી અને રાજેશકુમાર સરોજનો સમાવેશ થાય છે. આ ગેંગ પર અમદાવાદના એક નાગરિકને હોમિયોપેથિક દવાના વેપારના બહાને રૂ.32 લાખથી વધુની છેતરપિંડી આચરવાનો આરોપ છે.
પોલીસ મુજબ, મણિનગરમાં રહેતા નિહાર વર્માને આફ્રિકન ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રતિનિધિ તરીકે કેટલાક શખ્સોએ ઓનલાઈન સંપર્ક કર્યો હતો. તેઓએ દાવો કર્યો કે તેઓ ભારતમાં “યુપેટોરિયમ મર્કોલા લિક્વિડ” નામની હોમિયોપેથિક દવા ખરીદવા ઈચ્છે છે, જે મેલેરિયા અને ડેન્ગ્યુના ઉપચાર માટે ઉપયોગી છે. આરોપીઓએ તેમને એક નફાકારક બિઝનેસ ડીલની ઓફર કરી, જેમાં દવા ભારતીય સપ્લાયર પાસેથી $6,500 પ્રતિ લિટરે ખરીદીને ‘આફ્રિકન ખરીદદાર’ને $11,000 પ્રતિ લિટરે વેચવાની વાત કરી. શરૂઆતમાં વિશ્વાસ મેળવવા માટે શર્મા એન્ટરપ્રાઇઝ નામની ખોટી કંપનીના નામે એક લિટર લિક્વિડનું પાર્સલ મોકલાયું. બાદમાં દિલ્હીમાં એક નકલી લેબ સાયન્ટિસ્ટે તેને મંજૂરી આપી, જેનાથી વર્માને વિશ્વાસ થયો. ત્યારબાદ તેમણે એડવાન્સ તરીકે રૂ.27 લાખ ટ્રાન્સફર કર્યા, પરંતુ પછી ખબર પડી કે આખી ડીલ ખોટી હતી અને તેઓ છેતરાયા હતા.
તપાસમાં ખુલ્યું કે આ કૌભાંડ નાઇજિરિયન સંચાલિત આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ સિન્ડિકેટ દ્વારા ચાલતું હતું. ગેંગ સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા લોકોને આંતરરાષ્ટ્રીય વેપારની લલચાવી ખોટી ઓફરો કરતું હતું. ત્યારબાદ તેઓ ભારતીય બેંકોમાં ખોલાયેલા નકલી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવીને ગાયબ થઈ જતા. આ એકાઉન્ટ્સ શ્રી રામ એન્ટરપ્રાઇઝ, સ્ટાર એન્ટરપ્રાઇઝ, લક્ષ્મી એન્ટરપ્રાઇઝ અને એમ.જી. એન્ટરપ્રાઇઝ જેવા નામ હેઠળ ખોલાતા હતા. નાઇજિરિયન આરોપી પોતાના ભારતીય સાથીદારોની મદદથી રૂપિયાનો વહીવટ કરતો હતો. ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાળના લોકો નકલી બેંક ખાતા ખોલવા માટે ભાળવામાં આવતા હતા.
નવી મુંબઈના કૃષ્ણમતી અને મહેશ ચૌધરી આ રેકેટમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. તેઓ બેંક ખાતાઓનું સંચાલન કરતા અને છેતરપિંડીથી મેળવેલા પૈસાનો હિસ્સો અન્ય ગેંગ સભ્યોને ટ્રાન્સફર કરતા. દરેક ફર્મના નામે 12 થી 15 ખાતા ખોલાતા, અને કોઈ ખાતા સામે ફરિયાદ થતાં જ ગેંગના સભ્યો અન્ય શહેરમાં સ્થળાંતર કરી જતા.
માસ્ટરમાઇન્ડ સલીમ શેખ અગાઉ એક નાઇજિરિયન હેન્ડલર સાથે કામ કરતો હતો, જે ભારતીય ખાતા ગેરકાયદેસર રીતે વિદેશી ઠગો માટે ઉપલબ્ધ કરાવતો હતો. હેન્ડલરના મોત પછી શેખે પોતે નેટવર્ક સંચાલન શરૂ કર્યું અને દુબઈમાં ગેરકાયદેસર સટ્ટાબાજી તથા ગેમિંગ એપ્સ માટે પણ નાણાકીય ચેનલ પૂરી પાડતો હતો.
ઓપરેશન દરમિયાન પોલીસે 14 મોબાઈલ ફોન, 7 સિમ કાર્ડ, 33 ડેબિટ કાર્ડ અને નાણાકીય વ્યવહારોની વિગતો ધરાવતી અનેક ડાયરીઓ જપ્ત કરી છે. જપ્ત કરાયેલા કાર્ડ બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, યસ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, સારસ્વત બેંક અને અન્ય સહકારી બેંકો સાથે જોડાયેલા હતા. અત્યાર સુધીમાં આ નેટવર્કના બેંક ખાતાઓ સાથે સંકળાયેલી 112થી વધુ ફરિયાદો કર્ણાટક, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ અને કેરળમાં નોંધાઈ છે. પોલીસે જણાવ્યું કે ગેંગના બાકી રહેલા નાઇજિરિયન સભ્યો અને ભારતીય સહયોગીઓને પકડવા માટે તપાસ તીવ્ર કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel