પાકિસ્તાન અને ઈરાન વચ્ચે ઘર્ષણ વધી ગયું છે અને સૈનિક કાર્યવાહી સુધી વાત વણસી ગઈ છે. ઈરાને આતંકવાદનો અડ્ડો બનેલા પાકિસ્તાનમાં જૈશ અલ અદલ નામના આતંકી સંગઠનના કેટલાક સ્થળ પર મિસાઈલ હુમલો કરીને સૌને ચોંકાવી દીધા છે. ઈરાને વળતા હુમલાની સંભાવનાને પગલે સરહદ પરસૈનિકો પણ વધારી દીધા છે. પાકિસ્તાને હાલના તબક્કે વળતો હુમલો નથી કર્યો, પરંતુ તેના જવાબમાં ઈરાનના રાજદૂતને દેશ છોડી દેવાનો આદેશ કર્યો પરંતુ તેઓ ઈરાનમાં જ છે. તહેરાનથી તેણે પોતાના રાજદૂતને પણ પરત બોલાવી લીધા છે. આમ પણ પાકિસ્તાન એક કાયર દેશની જેમ હંમેશા આતંકવાદીઓને જ આગળ કરીને અન્ય દેશોને હેરાન કરતું રહ્યું છે. ભારત આ વાત વર્ષોથી વિશ્વને કહેતું હતું, પરંતુ તાજેતરના વર્ષોમાં ભારતના મજબૂત નેતૃત્વને પગલે તેની વાત અન્ય દેશોને હવે ગળે ઊતરી રહી છે. મહત્વનું એ છે કે ઈરાને હુમલો કર્યો તેના કેટલાક કલાકો પહેલાં જ દાવોસમાં ઈરાનના વિદેશ મંત્રી અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે મુલાકાત થઈ હતી. તેને કારણે ઈરાન શું કરી રહ્યું છે તે અંગે વિશ્વભરમાં વિશ્લેષકો અટકળો લગાવી રહ્યા છે. તાજેતરના સમયમાં રેડ સી ખાતે હૂતી ચાંચીયાઓએ જે સંકટ ઊભું કર્યું છે તેને ઈરાનનું સમર્થન છે અને તેને કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે પણ ઘર્ષણ વધ્યું છે. અમેરિકાએ ચાંચીયાઓ સામે આક્રમક લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકા હૂતીને ફરી આતંકવાદી જૂથની યાદીમાં લેવા વિચારી રહ્યું છે. ટ્રમ્પે તેનું નામ હટાવી દીધું હતું. ઈરાન અનેક મોરચે ઈરાદાપૂર્વક ઉશ્કેરણી કરી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ઈરાને પાકિસ્તાન પર હુમલા કરતા પહેલાં સીરિયામાં ‘જાસૂસોના હેડક્વાર્ટર’ અને આતંકી ટારગેટ પર પણ હુમલા કર્યા છે અને ઈરાકના સ્વાયત્ત કુર્દીસ્તાન રિજનમાં પણ હુમલા કર્યા છે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર બે દિવસની ઈરાનની મુલાકાતે હતા જેમાં વિવિધ મુદ્દે અને ચાબહાર બંદર ડેવલપકરવા સહિતના મુદ્દે બન્ને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી. ઈરાને જે આતંકી જૂથ જૈશ-અલ અદલને ટારગેટ કરીને પાકિસ્તાન પર હુમલો કર્યો છે તે 2012થી સક્રિય છે અને ઈરાને તેને આતંકવાદી જૂથ જાહેર કરેલું જ છે. તેણે ઈરાનની ધરતી પર આ પહેલાં પણ કેટલાક હુમલા કર્યા છે.
બીજી તરફ પાકિસ્તાનમાં અત્યારે ભયાનક અરાજક્તાની સ્થિતિ છે અને આવી સ્થિતિમાં તેણે ઈરાનના આ હુમલાનો જવાબ આપવો કે કેમ અને આપવો તો કઈ રીતે આપવો તેની ગડમથલ ચાલી રહી છે. પાકિસ્તાનની સેના અને આઈએસઆઈ વળતો હુમલો કરશે તો યુદ્ધની સ્થિતિ સર્જાશે. રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પછી આ ત્રીજો યુદ્ધ મોરચો ખૂલી જશે જે વૈશ્વિક માહોલ ખરાબ કરી શકે છે. એક તરફ દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) ખાતે વિશ્વના ટોચના નેતાઓ અને બિઝનેસમેન આર્થિક મુદ્દે ચર્ચા કરી રહ્યા છે અને તેમાં એવો સૂર નીકળ્યો છે કે આ વર્ષે આર્થિક સ્થિતિ પડકારજનક બની રહેશે, ત્યારે ઈરાન-પાકિસ્તાન ઘર્ષણ કોઈપણ રીતે કોઈપણ દેશને પરવડે તેમ નથી. આગામી દિવસો સમગ્ર વિશ્વની નજર અને વિશ્વના બજારોની નજર આ ઘટનાક્રમ પર રહેશે.