ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે એક મહિના બાદ પણ યુદ્ધ ચાલુ જ છે. યુદ્ધ શરૂ થયાને એક મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં આ લોહિયાળ જંગનો અંત આવે એવી કોઈ શક્યતા નજર નથી આવી રહી. આ યુદ્ધના કારણે શરૂઆતમાં હમાસ હુમલાઓને કારણે ઈઝરાયેલમાં જાન-માલનું નુકસાન થયું હતું તો હવે ગાઝામાં ઈઝરાયેલની સેનાના હુમલાને કારણે જાનમાલનું ભારે નુકસાન થઈ રહ્યુ છે. આ યુદ્ધમાં કેટલાક દેશ ખુલીને પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક દેશો ઈઝરાયેલનું સમર્થન કરી રહ્યા છે. અમેરિકા (United States Of America) શરૂઆતથી ઈઝરાયેલના સમર્થનમાં રહ્યું છે. પરંતુ હવે અમેરિકાએ ઈઝરાયેલને આ યુદ્ધ વચ્ચે એક ચેતવણી આપી છે.
શું છે અમેરિકાની ચેતવણી?
તાજેતરમાં જ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) એ કહ્યું હતું કે, ગાઝા પર હમાસનું શાસન ન હોવું જોઈએ અને તેના માટે અનિશ્ચિત સમય માટે ગાઝાની સુરક્ષાની જવાબદારી ઈઝરાયેલ પાસે હોવી જોઈએ. જોકે, ઈઝરાયેલી રાજદૂત માઈકલ હર્ઝોગે એ સ્પષ્ટ કરી દીધુ હતું કે, ઈઝરાયેલનો ગાઝા પર કબજાનો કોઈ ઈરાદો નથી. પરંતુ ઈઝરાયેલી પીએમનું આ નિવેદન ઈઝરાયેલના ગાઝા પર કબજો કરવા તરફ ઈશારો કરી રહ્યું હતું. આવી સ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) વતી નિવેદન આપતા ચેતવણી આપી છે કે, ગાઝા પર ફરીથી કબજો કરવો ઈઝરાયેલ અને તેના લોકો માટે યોગ્ય નહીં હોય.
જો ઈઝરાયેલ ગાઝા પર કબજો જમાવશે તો એ પહેલીવાર નહીં હશે કે ઈઝરાયેલી સેના પેલેસ્ટિનિયનોના મુખ્ય શહેર પર કંટ્રોલ કરશે. આ અગાઉ 1956માં થોડા સમય માટે ઈઝરાયેલે ગાઝા પર કબજો કર્યો હતો. ત્યારબાદ ઈઝરાયેલે 1967માં ગાઝા પર કબજો કરી લીધો હતો અને ઈઝરાયેલનો કબજો 2005 સુધી રહ્યો હતો. ઈઝરાયેલની સેનાએ 2005માં ગાઝા છોડી દીધું હતુ અને તેમનો કબજો ખતમ થઈ ગયો હતો.