કેનેડા અભ્યાસ માટે સલામત અને સારો દેશ માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, કેનેડા અભ્યાસ માટે વિશ્વનો નવમો શ્રેષ્ઠ દેશ છે. કેનેડામાં અભ્યાસ કરવા માટે વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે ઘણી તકો છે. અહીં સારી કોલેજો અને યુનિવર્સિટીઓ છે, જ્યાં ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપવામાં આવે છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી કામ કરવાની તકો પણ મળી જાય છે. એટલા માટે જ ભારતીય યુવામાં પણ વિદેશમાં અભ્યાસ કરવા માટે કેનેડા પહેલી પસંદ છે.
એમાંય જો તમે કેનેડામાં પીએચડી કરવા માંગો છો, તો તમારા માટે વધુ સારા સમાચાર છે. કેનેડામાં 2025 થી 2026 માટે વિદેશી વિદ્યાર્થીઓ માટે 800 થી વધુ સ્કોલરશીપ ઉપલબ્ધ છે, જેમાંથી ઘણી પીએચડી સ્કૉલર્સ માટે છે. કેનેડા પોતાના દેશમાં રિસર્ચના માહોલને સુધારવા માંગે છે અને આ માટે તે પીએચડી સ્કૉલર્સને લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ આપે છે. ત્યારે ચાલો આજે જાણીએ કેનેડાની પાંચ યુનિવર્સિટીઓ વિશે જણાવીએ, જ્યાં પીએચડી માટે સ્કોલરશીપ આપવામાં આવી રહી છે.
આલ્બર્ટા યુનિવર્સિટી
આલ્બર્ટા યુનિવર્સિટીની સ્થાપના 1908માં થઈ હતી. આ કેનેડાની એક મોટી અને જાણીતી યુનિવર્સિટી છે. આલ્બર્ટા યુનિવર્સિટી પાસે ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ સ્કોલરશીપ છે, જે માસ્ટર અથવા ડોક્ટરલ પ્રોગ્રામ્સમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. પીએચડી કરનારા વિદ્યાર્થીઓને 21,000 કેનેડિયન ડોલર (લગભગ 13 લાખ રૂપિયા) મળે છે. આ ઉપરાંત, વિદેશી વિદ્યાર્થીઓને ફી ભરવા માટે 10,000 કેનેડિયન ડોલર (લગભગ 6 લાખ રૂપિયા) પણ આપવામાં આવે છે.
વોટરલૂ યુનિવર્સિટી
વોટરલૂ યુનિવર્સિટી ઓન્ટારિયોમાં સ્થિત એક સરકારી યુનિવર્સિટી છે. અહીં અંડરગ્રેજ્યુએટ, માસ્ટર અને પીએચડી પ્રોગ્રામમાં અભ્યાસ કરતા તમામ વિદેશી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે છે. વોટરલૂ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્કોલરશીપ દરેક ટર્મ માટે 1,000 કેનેડિયન ડોલર (લગભગ 61 હજાર રૂપિયા) પ્રદાન કરે છે. આ સ્કોલરશીપ ત્રણ ટર્મ માટે મળી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના પ્રોગ્રામમાં ઓછામાં ઓછા 80% માર્ક્સ લાવવા પડે છે. ઉપરાંત, તેમનો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થવો જોઈએ.
સાસ્કાચેવાન યુનિવર્સિટી
સાસ્કાચેવાન યુનિવર્સિટી રિસર્ચ માટે ખૂબ પ્રખ્યાત છે. અહીં અભ્યાસ માટે અનેક પ્રકારની સ્કોલરશીપ મળી જશે. કોલેજ ઓફ ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટડોક્ટરલ સ્ટડીઝ (CGPS) દર વર્ષે 14 મિલિયન કેનેડિયન ડોલરથી વધુની સ્કોલરશીપ આપે છે. યુનિવર્સિટીના મોટાભાગના PhD પ્રોગ્રામમાં નવા વિદ્યાર્થીઓને દર વર્ષે 20,000 કેનેડિયન ડોલર (આશરે 12 લાખ રૂપિયા) આપે છે. આ સ્કોલરશીપ ચાર વર્ષ સુધી મળે છે.
ટોરોન્ટો યુનિવર્સિટી
QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2025 અનુસાર, યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો કેનેડાની શ્રેષ્ઠ યુનિવર્સિટી છે. તે ઑન્ટારિયોમાં સ્થિત છે. અહીં PhD કરતા વિદ્યાર્થીઓને પાંચ વર્ષ માટે સ્કોલરશીપ મળે છે. જો તમને સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવે છે, તો યુનિવર્સિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન (UHIP) માટે 40,756 કેનેડિયન ડોલર (લગભગ રૂ. 25 લાખ) અને 756 કેનેડિયન ડોલર (લગભગ રૂ. 46 હજાર) મળશે.
ઓટાવા યુનિવર્સિટી
ઓટ્ટાવા યુનિવર્સિટી તમામ વિદેશી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ડોક્ટરલ સ્કોલરશીપ આપે છે. આ સ્કોલરશીપ PhD પ્રોગ્રામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પાંચ વર્ષમાં 45,000 કેનેડિયન ડોલર (લગભગ રૂ. 28 લાખ) મળે છે. દરેક ટર્મ માટે મહત્તમ રકમ 3,000 કેનેડિયન ડોલર (આશરે રૂ. 1.85 લાખ) છે. આ સ્કોલરશીપ 15 ટર્મ માટે ઉપલબ્ધ છે. આ પૈસા સીધા એકાઉન્ટમાં જમા થઈ જાય છે.