મહુવામાં કૈલાસ ગુરુકુળમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મોરારિબાપુનાં સાનિધ્ય સાથે સાહિત્યકારોની સાહિત્ય જ્ઞાનગોષ્ઠિમાં સુંદર પ્રસ્તુતિઓ થઈ છે. ત્રીજા દિવસે બેઠકમાં હર્ષદેવ માધવ દ્વારા જણાવાયું કે કવિ માઘ એટલે પાંડિત્ય અને કવિત્વનો સુમેળ, તે લોકચેતનાનાં કવિ રહ્યાં છે.
ગુરુવારથી રવિવાર એમ ચાર દિવસ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા જ્ઞાનસત્રમાં ત્રીજા દિવસે ‘આનંદક્રીડાનાં ભારતીય ઉદગાર’ વિષય સાથેની બેઠકમાં વિવિધ પ્રસ્તુતિ સાથે હર્ષદેવ માધવ દ્વારા જણાવાયું કે કવિ માઘ એટલે પાંડિત્ય અને કવિત્વનો સુમેળ, તે લોકચેતનાનાં કવિ રહ્યાં છે. મેઘદૂત એ અડીકડી વાવ છે અને શિશુપાલ વધ એ નવઘણ કૂવા બરાબર છે.
સંજય ચૌધરીનાં સંચાલન સાથેની આ બેઠકમાં સુરદાસ વિશે વાત કરતાં મૃદુલા પારીકે ભાષા નહિ તેમનો ભાવ મહત્વનો ગણાવી, કવિતામાં ભક્તિ અને ભક્તિમાં કવિતા રહ્યાનું ઉમેર્યું.
મિરઝા ગાલિબ સંદર્ભે શીનકાક નિઝામનાં વક્તવ્યમાં જણાવાયું કે, સૃષ્ટિમાં શબ્દ જ કારણ છે અને સાહિત્ય એટલે શબ્દ સિવાય કશું નથી.
‘આનંદક્રીડાનાં ગુજરાતી ઉદગાર’ વિષય સાથે જ્યોતિન્દ્ર પંચોલીનાં સંચાલન સાથેની બેઠકમાં દર્શન ધોળકિયા દ્વારા મીરા વિશે, સતીશ વ્યાસ દ્વારા ન્હાનાલાલ વિશે તથા યોગેશ શાહ દ્વારા ચંદ્રકાંત શેઠ વિશે થયેલ સાહિત્ય રચનાઓ અંગે સુંદર વાતો થઈ.
મોરારિબાપુનાં સાનિધ્ય સાથે સાહિત્યકારોની સાહિત્ય જ્ઞાનગોષ્ઠિમાં સુંદર પ્રસ્તુતિઓ થઈ છે. આ પ્રસંગે વિજયશીલસુરિજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
બપોર પછીની ‘આનંદક્રીડા સમકાલીન સાહિત્યની’ બેઠક યોજાઈ જેમાં ‘સાહિત્યનું સરવૈયું ૧ (૨૦૨૩)’ અંતર્ગત રવીન્દ્ર પારેખનાં અધ્યક્ષસ્થાને પ્રસ્તુતિઓ થઈ, તેઓએ બાળકો પાસે નિબંધ લેખન સાથે વાર્તા લેખન માટે શિક્ષકોને મંતવ્ય આપ્યું. કવિતા વિશે મનીષા દવે, ટુંકી વાર્તા વિશે પન્ના ત્રિવેદી, નિબંધ વિશે દિકપાલસિંહ જાડેજા, નવલકથા વિશે નરેશ શુક્લ અને બાળ સાહિત્ય વિશે નટવર પટેલ દ્વારા પ્રસ્તુતિ થઈ. આ બેઠકનાં સંચાલનમાં દાન વાઘેલા રહ્યાં હતાં.
સાંજની બેઠક મહેન્દ્રસિંહ પરમારનાં સંકલન સાથે ‘આનંદક્રીડાનાં ઉત્તરો’ યોજાઈ જેમાં વિદ્યાર્થીઓ અને સાહિત્યકારો સાથેની ગોષ્ઠિ રસપ્રદ રહી.