કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ યોજાનારી ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમારંભમાં ભાગ નહીં લેવાના નિર્ણય બાદ હવે ‘ઈન્ડિયા’ ગઠબંધનના અન્ય સહયોગી પક્ષોએ પણ તેમાં હાજર નહીં રહેવાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત એનસીપીના અધ્યક્ષ શરદ પવાર, અને આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત નહીં રહેવાનો નિર્ણય કર્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, મને સમારંભનું આમંત્રણ મળ્યું હતું, જેમાં સુરક્ષાના કારણોસર માત્ર એક જ વ્યક્તિને જવાની મંજૂરી હોવાનો ઉલ્લેખ છે. હું રામલલાના દર્શન મારી પત્ની અને બાળકો સાથે કરવા ઈચ્છુ છું. મારા માતા-પિતા પણ દર્શન કરવા આતુર છે. હું 22 જાન્યુઆરી પછી જ મારા પરિવાર સાથે હું અયોધ્યા જઈશ.
એનસીપીના અધ્યક્ષ શરદ પવારે પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં ભાગ લેવાનું ટાળવાનો નિર્ણય કર્યો છે. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ચંપત રાયને પત્ર લખી પવારે જણાવ્યું હતું કે, હું પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમય કાઢીને દર્શન માટે અયોધ્યા જઈશ. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, 22મી પછી હું દર્શન માટે અયોધ્યા જઈશ. ત્યાં સુધીમાં મંદિરનું નિર્માણ કાર્ય પણ સંપન્ન થઈ ગયું હશે.
રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે પણ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં જવાનો ઈનકાર કર્યો હતો.