ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતિની ઐતિહાસિક ઉજવણીને અવસરે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે 13મી નવેમ્બરે ખાટલા પરિષદ યોજી હતી. આ અવસરે તેમણે ગ્રામજનોને ડેડીયાપાડા ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્તરની ઉજવણીમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું.
આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે દેશ તથા આદિવાસી સમાજના ઉન્નતિ માટે પોતાનું જીવન અર્પણ કરનાર ભગવાન બિરસા મુંડા કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી તેમની 150મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હર્ષ સંઘવીએ ઉમેર્યુ કે જેમ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાનિધ્યમાં ઉજવાઈ હતી, તેમ હવે આ જ પવિત્ર ધરતી પર ભગવાન બિરસા મુંડાનો ઉત્સવ ઐતિહાસિક બનશે. તેમણે જણાવ્યું કે આ ઉત્સવ માત્ર આદિવાસી સમાજનો નહિ પરંતુ સમગ્ર દેશના નાગરિકોનો ઉત્સવ છે.
શિયાળાની ઠંડી રાત્રે હર્ષભાઈ સંઘવીના ઉર્જાસભર સંબોધનથી સ્થળ પર હાજર ગ્રામજનોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. હર્ષભાઈએ કહ્યું કે તેઓ દરેક ગ્રામજનને આમંત્રણ આપવા આવ્યા છે અને સૌએ મળેને આ ઐતિહાસિક ઉજવણીને સ્મરણિય બનાવવી છે. ગ્રામજનોને એક વ્યક્તિએ 100 લોકોને આમંત્રણ આપવાની પ્રેરણાદાયક અપીલ પણ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવે પણ ગ્રામજનોને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિ સમુદાયના વૈભવશાળી સંસ્કૃતિ અને યોગદાનને જનજન સુધી પહોંચાડવા માટે 15 નવેમ્બરને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો છે. આ વર્ષે આ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં ડેડીયાપાડા ખાતે આવતીકાલે યોજાવાની છે.
કાર્યક્રમના અંતે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ સાથે ભગવાન બિરસા મુંડા ના જયઘોષ થયા હતા અને સૌએ નાયબ મુખ્યમંત્રીએ આપેલું આમંત્રણ હર્ષભેર સ્વીકાર્યું હતું.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel