5 નવેમ્બર 2024ના રોજ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાશે. ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ પ્રમુખપદના પ્રમુખ દાવેદારો જો બાઇડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપોનું રાજકારણ ગરમાઈ રહ્યું છે.
દર ચાર વર્ષે યોજાતી અમેરિકન પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા ઘણી જટિલ હોય છે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં અનેક તબક્કા હોય છે, જેમાં કોકસ અને પ્રાઈમરી, રાજકીય સંમેલનો, સામાન્ય ચૂંટણીઓ અને ઈલેક્ટોરલ કૉલેજનો સમાવેશ થાય છે.
યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી દર ચાર વર્ષે નવેમ્બરના પ્રથમ સોમવાર પછીના પ્રથમ મંગળવારે યોજાય છે. આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બર 2024ના રોજ યોજાશે. ચૂંટણીની પ્રક્રિયા ચૂંટણીની તારીખના એક વર્ષ પહેલાં જ શરૂ થઈ જતી હોય છે.
પ્રથમ તબક્કો ‘પ્રાઇમરી’ અને ‘કોકસ’
પ્રથમ તબક્કો ‘પ્રાઇમરી’ અને ‘કોકસ’ સૌપ્રથમ ‘પ્રાઇમરી’ અને ‘કોકસ’ એ બે તબક્કા દ્વારા અમેરિકી પ્રજા, રાજ્યો અને રાજકીય પક્ષોને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો પસંદ કરવામાં મદદ કરે છે. આ બંનેનું પોતપોતાનું મહત્ત્વ છે. ‘પ્રાઇમરી’માં જનતા રાષ્ટ્રપતિની ચૂંટણીના 6 થી 9 મહિનાની અંદર તેમના ઉમેદવારને પસંદ કરે છે.
આમાં વિવિધ પક્ષોના વિવિધ પ્રતિનિધિઓ શ્રેષ્ઠ ઉમેદવારને મત આપે છે, જે સામાન્ય ચૂંટણીમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. મોટાભાગના રાજ્યોમાં પ્રાથમિક ચૂંટણીઓ યોજાય છે. પ્રાથમિક મતદારો ગુપ્ત મતદાન દ્વારા તેમના મનપસંદ ઉમેદવારની પસંદગી કરે છે. ‘કોકસ’ એવો તબક્કો છે જેમાં પક્ષના સભ્યો ચર્ચા બાદ મત આપે છે અને શ્રેષ્ઠ ઉમેદવારની પસંદગી કરે છે. ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન માટે અલગ-અલગ ઉમેદવારો ચૂંટાય છે.
બીજો તબક્કો ‘રાષ્ટ્રીય અધિવેશન’
બીજો તબક્કો ‘રાષ્ટ્રીય અધિવેશન’નો હોય છે, જેમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા માટે પ્રતિનિધિઓની બહુમતી મેળવવી પડે છે. દરેક પક્ષ તેના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને પસંદ કરવા માટે રાષ્ટ્રીય સંમેલન યોજે છે. આ તબક્કામાં પ્રાઇમરી અને કોકસ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના પસંદગીના ઉમેદવારોને ‘સમર્થન’ આપે છે.
સંમેલનોના અંતે દરેક પક્ષમાંથી અંતિમ પ્રમુખપદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવે છે. રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પોતાના માટે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પસંદ કરે છે. એ પછી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો લોકોનું સમર્થન મેળવવા માટે દેશભરમાં પ્રચાર કરે છે.
નાના રાજકીય પક્ષો અને અપક્ષો પાસે રાષ્ટ્રીય સંમેલનની લક્ઝરી હોતી નથી, પરંતુ લાયકાતની જરૂરિયાતો પૂરી કર્યા પછી તેઓ ચૂંટણીમાં ઊભા રહી શકે છે.
ત્રીજો તબક્કો ‘સામાન્ય ચૂંટણી’
સામાન્ય ચૂંટણીઓમાં અમેરિકાના દરેક રાજ્યના લોકો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મત આપે છે. જ્યારે લોકો મત આપે છે, ત્યારે તેઓ વાસ્તવમાં એક જૂથને મત આપતા હોય છે. પ્રેસિડેન્ટ માટે ચૂંટણી લડી રહેલા દરેક ઉમેદવાર પાસે મતદારોનું પોતાનું જૂથ હોય છે, જેને સ્લેટ કહેવાય છે. જ્યારે લોકો રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને મત આપે છે, ત્યારે તેઓ વાસ્તવમાં તેમના ઉમેદવારના મનપસંદ મતદારોને પસંદ કરતા હોય છે.
ચોથો તબક્કો ‘ઈલેક્ટોરલ કોલેજ’
અમેરિકામાં લોકો સીધા જ પ્રમુખને નથી ચૂંટતા. પ્રમુખની ચૂંટણી માટે લોકો સીધું મતદાન કરે છે ખરા, પણ પ્રમુખપદના વિજેતા ઈલેક્ટોરલ કોલેજમાં તેમને મળેલા મતોના આધારે નક્કી થાય છે અને આ પ્રક્રિયા અટપટી છે.
ઈલેક્ટોરલ મતોની ગણતરી આ રીતે થાય છે
અમેરિકામાં કુલ 50 સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા મળીને 11 વિસ્તારોમાં આ 538 ઈલેક્ટોરલ મત વહેંચાયેલા છે. દરેક રાજ્યને વસતીના પ્રમાણમાં ઈલેક્ટોરલ મતો ફાળવાયા છે. પ્રમુખપદની ચૂંટણીમાં દરેક રાજ્યના મત અલગ ગણાય છે.
ઉદાહરણ તરીકે, ટેક્સાસ રાજ્યના ઈલેક્ટોરલ કોલેજમાં 40 મત છે. ધારોકે બાઇડેનને 21 અને ટ્રમ્પને 19 મત મળ્યા તો બાઇડેન આગળ હોવાથી રાજ્યના બધા 40 મત એમના ખાતામાં જાય છે. આ રીતે જે-તે ઉમેદવાર આખેઆખા રાજ્યના મત જીતતા જાય અને છેલ્લે જેનું ટોટલ વધારે થાય એ અમેરિકાના પ્રમુખ બને છે.
આ રીતે થાય છે ‘પ્રેસિડેન્શિઅલ ડિબેટ’
અમેરિકામાં બે મુખ્ય રાજકીય પક્ષો છેઃ ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન, જેમના ઉમેદવારો ચૂંટણી ઝુંબેશ શરૂ કરે છે. વિવિધ પક્ષોના ઘણાં ઉમેદવારો આ પ્રચારમાં ભાગ લે છે અને નાણાં એકત્ર કરવા માટે રેલીઓનું આયોજન કરે છે. એ પછી ડેમોક્રેટ અને રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના ઉમેદવારો ટીવી પર ચર્ચા કરવાનું શરૂ કરે છે, જે ‘પ્રેસિડેન્શિઅલ ડિબેટ’ કહેવાય છે. ચર્ચા દરમિયાન બંને ઉમેદવાર વારાફરતી તેની રાષ્ટ્રહિતની નીતિઓ રજૂ કરે છે અને એ નીતિઓ મુદ્દે હરિફ દ્વારા કરાતા પ્રશ્નોનો જવાબ આપે છે અને હરિફના વિરોધ સામે પોતાની નીતિનો બચાવ કરે છે.
‘પોલિટિકલ ડિબેટ’ કાઈ રીતે શરુ થઈ?
‘પ્રેસિડેન્શિઅલ ડિબેટ’ની અનઑફિસિયલ શરૂઆત ઈ.સ. 1858માં થઈ હતી, જ્યારે ઇલિનોઇસ રાજ્યમાં સેનેટ(રાજ્યસભા)ની ચૂંટણીઓ યોજાઈ રહી હતી. સ્પર્ધા રિપબ્લિકન પાર્ટીના અબ્રાહમ લિંકન અને નોર્ધર્ન ડેમોક્રેટ્સના સ્ટીફન ડગ્લાસ વચ્ચે હતી.
ડગ્લાસ ભાષણ આપવા માટે જ્યાં જતાં ત્યાં લિંકન પણ પહોંચી જતા. ડગ્લાસે ભાષણમાં જે કહ્યું હોય એમાં ખામીઓ શોધીને લિંકન ભાષણ કરતા. આ રીતે લિંકન સતત પીછો કરતા રહ્યા એટલે કંટાળીને ડગ્લાસે એમને ડિબેટ માટે પડકાર આપ્યો. લિંકન તરત તૈયાર થઈ ગયા અને એ રીતે ‘પોલિટિકલ ડિબેટ’ની શરૂઆત થઈ હતી. પ્રથમ ઑફિશિયલ ‘પ્રેસિડેન્શિયલ ડિબેટ’ 1960માં જ્હોન એફ કેનેડી અને રિચાર્ડ નિક્સન વચ્ચે યોજાઈ હતી.
‘કિસ મેં કિતના હૈ દમ’ સાબિત કરવાની સીધી તક પૂરી પાડતી ‘પ્રેસિડેન્શિઅલ ડિબેટ’ પર આખા અમેરિકાની નજર હોય છે. એ જોઈને જ મતદારો પ્રમુખપદના ઉમેદવારો વિશે અભિપ્રાય બનાવતા હોય છે.
ક્યાં યોજાય છે પ્રેસિડેન્શિયલ ડિબેટ?
1960માં પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ ટીવી સ્ટુડિયોમાં યોજાઈ હતી, જેનું પ્રસારણ વિવિધ ટીવી ચેનલો દ્વારા કરવામાં આવ્યું હતું. એ પછી 1964, 1968 અને 1972ની ચૂંટણીઓમાં કોઈ ડિબેટ નહોતી થઈ. 1976માં એકથી વધુ તબક્કાની ડિબેટ કોલેજ, થિયેટર અને મ્યુઝિક હોલ જેવાં સાર્વજનિક સ્થળોએ થઈ હતી. આવી ડિબેટોને પ્રાયોજક પણ મળતા. આટલા વર્ષોથી જાહેર સ્થળોએ યોજાતી આવેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ આ વર્ષથી ફરી ટીવી સ્ટુડિયોમાં યોજાશે.
શું છે ડિબેટના નિયમો?
વર્ષ 1960થી 1988 સુધી ઉમેદવારો પત્રકારોની પેનલના પ્રશ્નોના જવાબો આપતા હતા. એ સમયે મોડરેટર(મધ્યસ્થ)નું કામ માત્ર નિયમો સમજાવવાનું હતું. એમાં થતું એવું કે ઘણીવાર પત્રકારો ઉમેદવારોનું ધ્યાન ભટકી જાય એવા પ્રશ્નો જાણી જોઈને કરતાં. એટલે પછી 1992થી પેનલ સિસ્ટમ દૂર કરવામાં આવી. એ વર્ષથી મતદારોએ જ ઉમેદવારોને પ્રશ્ન કરવાનું શરૂ કર્યું, પરંતુ એ સિસ્ટમ પણ અસુવિધાજનક લાગતા 1996થી માત્ર મધ્યસ્થે પ્રશ્નો પૂછવાની જવાબદારી નિભાવવાનું શરૂ કર્યું.
ડિબેટમાં પણ ટોસ!
રમતના મેદાનમાં ટોસ ઉછાળીને એ જીતનારને રમતની શરૂઆત કેવી રીતે કરવી એની પસંદગી મળતી હોય છે. કંઈક એ જ રીતની પસંદગી માટે પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન પણ ટોસ ઉછાળવામાં આવે છે. ટોસ જીતનાર ઉમેદવારને 2 વિકલ્પમાંથી એક પસંદ કરવાનો હોય છે. સ્ટેજમાં ક્યાં ઊભા રહેવું એનો વિકલ્પ અને ચર્ચાનું સમાપન કરવાનો વિકલ્પ.
મોટાભાગના ઉમેદવાર ટોસ જીતીને સૌથી અનુકૂળ ગણાતા સ્થળ ‘સ્ટેજના ડાબી તરફના ભાગમાં’ ઊભા રહેવાનું પસંદ કરે છે, કેમ કે ત્યાં ઊભા રહેવાથી ટીવી પર ડિબેટ જોનારી જનતા ઉમેદવારને ટીવીની જમણી બાજુએ જોતી હોય છે, અને કોઈપણ વ્યક્તિ કોઈપણ વસ્તુ જોતી હોય છે ત્યારે એનું ધ્યાન જમણી બાજુ પર વધુ કેન્દ્રિત હોય છે. ટોસ હારનારાને સમાપન નિવેદન આપવાની તક મળતી હોય છે.
ડિબેટમાં કોણ જીતે છે અને કોણ હારે એ કઈ રીતે નક્કી કરાય છે?
ડિબેટ પત્યા પછી ન્યૂઝ ચેનલો અને રાજકીય નિષ્ણાતો પોતાના અભિપ્રાય આપે છે. તેઓ જણાવે છે કે જવાબોની ચોકસાઈ અને બોડી લેંગ્વેજ દ્વારા કયા ઉમેદવારે ચર્ચા જીતી.
ન્યૂઝ ચેનલો અને સર્વે એજન્સીઓ ડિબેટ પછી ઓપિનિયન પોલ કરે છે, જેમાં દર્શકોનાં મંતવ્યો પૂછવામાં આવે છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જનતાની પ્રતિક્રિયા પણ કોણ કોના પર ભારી પડ્યું એ નક્કી કરવામાં મદદરૂપ થાય છે. એજન્સીઓ ‘મતદાન હેતુ સર્વે’ કરે છે, જેમાં તેઓ જનતાને પૂછો કે શું ડિબેટને કારણે ‘કોને મત આપવો?’ એ બાબતે એમનું મન બદલાયું છે? જે ઉમેદવારે વધુ લોકોનું મન બદલ્યું હોય, તે વિજેતા જાહેર થાય છે.
જોકે, ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે ડિબેટ જીતનાર ઉમેદવાર છેવટે ઇલેક્ટોરલ મત મેળવવામાં હારી ગયા હોય. જ્યોર્જ ડબલ્યુ બુશ 2000 અને 2004માં ડિબેટમાં હારી ગયા હતા છતાં ઇલેક્ટોરલ મત જીતીને પ્રમુખ બનવામાં સફળ રહ્યા હતા. ડોનાલ્ટ ટ્રમ્પે પણ 2016માં હિલેરી ક્લિન્ટન સામે ડિબેટ હારવા છતાં પ્રમુખપદ મેળવ્યું હતું.