નેપાળમાં શરૂ થયેલું Gen-Z આંદોલન હવે ઐતિહાસિક રાજકીય સંકટમાં ફેરવાયું છે. કાઠમંડુ સહિત દેશના અનેક શહેરોમાં યુવાનો અને વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા આંદોલનનું સ્વરૂપ બીજા જ દિવસે અત્યંત ઉગ્ર બની ગયું. ગઈકાલે 20 પ્રદર્શનકારીઓના મોત અને 300થી વધુ લોકો ઘાયલ થયા બાદ પરિસ્થિતિ નિયંત્રણ બહાર પહોંચી ગઈ હતી. સરકારે સુરક્ષા દળોને તૈનાત કર્યા હોવા છતાં કાઠમંડુની ગલીઓમાં ગુસ્સો અને હિંસા ફાટી નીકળ્યો. ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ માહિતી અને સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરૂંગના નિવાસસ્થાનને આગ ચાંપી, તેમજ અનેક મંત્રીઓના ઘરો પર પથ્થરમારો અને તોડફોડ કરી. સતત વધી રહેલા દબાણને પગલે ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિ મંત્રી રામનાથ અધિકારી અને આરોગ્ય મંત્રી પ્રદીપ પૌડેલ સહિત નવ મંત્રીઓએ રાજીનામું આપ્યું.
આંદોલનકારીઓના નિશાને માત્ર સરકારના મંત્રીઓ જ નહીં, પરંતુ દેશના ઉચ્ચ પદાધિકારીઓ પણ આવ્યા. કાઠમંડુમાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના ખાનગી નિવાસસ્થાન સુધી પહોંચી ગયા, જ્યાં તેમણે તોડફોડ કરી અને ઘરને આગ ચાંપી. આ જ રીતે, શાસક નેપાલી કોંગ્રેસ પાર્ટીના કેન્દ્રિય કાર્યાલયને પણ આગમાં ઝપટે ચડાવવામાં આવ્યો. સવારે પ્રદર્શનકારીઓએ પૂર્વ ઉપપ્રધાનમંત્રી અને ઓલીના પક્ષના નેતા રઘુવીર મહાસેઠ તથા માઓવાદી અધ્યક્ષ પુષ્પ કમલ દહાલ પ્રચંડના ઘરો પર પણ હુમલા કર્યા. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ કે સુરક્ષા દળો પ્રદર્શનકારીઓને નિયંત્રણમાં લેવા માટે અસમર્થ સાબિત થઈ રહ્યા છે.
આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલી પર રાજીનામાનું દબાણ વધી ગયું. અંતે, તેમણે પદ છોડવાનો નિર્ણય જાહેર કર્યો અને સારવારના બહાને દુબઈ જવાની તૈયારી શરૂ કરી છે. ઓલીએ સરકારનું કામકાજ હાંસલ કરવા પોતાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરને કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયે સ્પષ્ટ કરી દીધું છે કે નેપાળની હાલની સરકાર તૂટી પડી છે અને રાજકીય પાયાનો સંકટ વધુ ઊંડો બન્યો છે.
યુવાનો દ્વારા આગળ ધપાવવામાં આવેલું આંદોલન, જેને “Gen-Z રિવોલ્યુશન” કહેવામાં આવી રહ્યું છે, હવે માત્ર સોશિયલ મીડિયા પ્રતિબંધના વિરોધ પૂરતું સીમિત નથી રહ્યું. તે ભ્રષ્ટાચાર, બેરોજગારી, અસમાનતા અને સત્તાવાદી દમન સામેનું રાષ્ટ્રીય સ્તરે મોટું બળવો બની ગયું છે. કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં સતત ચાલી રહેલી આગચંપી, તોડફોડ અને પથ્થરમારોને જોતા એવું લાગી રહ્યું છે કે આ આંદોલનથી નેપાળની રાજકીય વ્યવસ્થા ઐતિહાસિક પરિવર્તનની દિશામાં ધકેલાઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel