નેપાળમાં આઠ સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલું Gen-Z આંદોલન હવે ઐતિહાસિક ચળવળનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ દિવસની સવારમાં, એક કૉલ પર લાખો વિદ્યાર્થી-યુવાનો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. તેમના મનમાં વર્ષોથી ભ્રષ્ટાચાર, આર્થિક અસમાનતા, બેરોજગારી અને ગેરવહીવટ વિરુદ્ધનો ગુસ્સો ભભૂકી રહ્યો હતો, પરંતુ સરકારે અચાનક 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકતાં આ ગુસ્સો ચીજવાતીને આગમાં ફેરવાયો. આ આંદોલનને સુવ્યવસ્થિત દિશા અને સંગઠન પૂરું પાડ્યું હતું હામી નેપાળ નામના એનજીઓએ, જેની સ્થાપના 2015માં થઈ હતી અને 2020માં સત્તાવાર રીતે રજિસ્ટર્ડ થયું હતું. એનજીઓના સ્થાપક સુદન ગુરુંગ, જે હાલમાં 36 વર્ષના છે, તેમણે યુવાનોની વ્યથા સમજતાં તેમને એક મંચ આપ્યો. સુદન ગુરુંગ અગાઉ ઈવેન્ટ મેનેજર તરીકે કાર્યરત હતા, પરંતુ 2015ના ભૂકંપ બાદ તેમનું જીવન માનવતાવાદી સેવા તરફ વળી ગયું. ત્યારથી તેમણે આપત્તિ રાહત, કટોકટી સમયે સહાય, રક્તદાન અભિયાન અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે સતત કાર્ય કર્યું છે. હામી નેપાળને આંતરરાષ્ટ્રીય સ્તરે ફંડિંગ મળતું હોય, જેના કારણે તે યુવાનો વચ્ચે ઝડપી પ્રભાવ પાડી શક્યું.
સુદન ગુરુંગે આંદોલન પહેલાં જ સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને એકત્ર કરવાની વ્યૂહરચના ઘડી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ અને ડિસ્કોર્ડ ગ્રુપ્સમાં સંદેશ ફેલાવ્યો કે “ભાઈઓ-બહેનો, આ આપણો સમય છે, આપણો અવાજ છે, હવે બહુ થયું.” આ સાથે VPN અને ઑનલાઇન નેટવર્ક્સનો ઉપયોગ કરીને હજારો યુવાનોને એક મંચ પર લાવ્યા. ખાસ કરીને તેમણે 27 ઑગસ્ટ, 2025ના રોજ પોસ્ટ કરેલી અપીલમાં ભ્રષ્ટાચાર અને વિશેષાધિકાર ધરાવતા રાજકીય વર્ગને સીધું નિશાન બનાવતાં જણાવ્યું હતું કે, જો આપણે પોતે બદલાશે, તો દેશ આપોઆપ બદલાશે. આ અપીલ યુવાનોમાં વ્યાપક રીતે ફેલાઈ અને આંદોલન માટે પાયો ઘડી ગયો.
આઠ સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલા આંદોલનમાં સ્થિતિ ઝડપથી હિંસક બની ગઈ. સંસદ ભવનમાં પ્રવેશવા ગયેલા યુવાનોને રોકવા પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા, જેના જવાબમાં આંદોલનકારીઓ વધુ આક્રમક બન્યા. સરકારે દમન માટે “જુઓ ત્યાં ઠાર કરો”નો આદેશ આપતા પોલીસ ગોળીબારમાં 20 વિદ્યાર્થીઓના મોત થયા અને 300થી વધુ ઘાયલ થયા. આ ઘટના બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો. યુવાનોને લાગ્યું કે આ માત્ર સોશિયલ મીડિયા પ્રતિબંધના વિરોધ પૂરતું નથી, પરંતુ ભ્રષ્ટાચાર, અસમાનતા અને દમન વિરુદ્ધની લડાઈ છે.
સરકારે પછીથી સોશિયલ મીડિયા પ્રતિબંધ પાછો ખેંચી લીધો હોવા છતાં પરિસ્થિતિ શાંત થવાની બદલે વધુ ઉગ્ર બની ગઈ. આંદોલનકારીઓએ મંત્રીમંડળના ઘરોમાં તોડફોડ કરી, અનેક સરકારી ઈમારતો અને વાહનોને આગ ચાંપી. પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહાલના નિવાસસ્થાને આગચાંપી, જ્યારે અનેક મંત્રીઓ સહિત નવ મંત્રીઓએ રાજીનામું આપવું પડ્યું. વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નિવાસસ્થાન નજીક ગોળીબારની ઘટના બની જેમાં બે લોકો ઘાયલ થયા. કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં કર્ફ્યુ હોવા છતાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવો સરકાર માટે મુશ્કેલ બન્યો છે.
આ સમગ્ર આંદોલનનું નેતૃત્વ સુદન ગુરુંગ અને તેમની ટીમ કરી રહી છે. તેમણે યુવાનોને મેસેજ આપ્યો છે કે આ લડાઈ માત્ર એક પ્રતિબંધ વિરુદ્ધ નથી, પરંતુ નવી પેઢી માટે ન્યાયપૂર્ણ, ભ્રષ્ટાચારમુક્ત અને સમાન તકોવાળું નેપાળ ઘડવાની લડાઈ છે. આથી આંદોલન હવે “Gen-Z રિવોલ્યુશન” તરીકે ઓળખાઈ રહ્યું છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની નોંધ લેવાઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel