અમદાવાદના વટવા વિસ્તારમાં સામે આવેલું આ કૌભાંડ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં દસ્તાવેજોની ખોટી બનાવટ અને સરકારી કચેરીઓમાં ઠગાઈ દ્વારા જમીન હડપ કરવાની એક ગંભીર ઘટના તરીકે સામે આવ્યું છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા ગુલામ હુસૈન કુરેશીએ વટવા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 1037 ચોરસવાર જમીનને ‘ઓર્ચિત ઇન્ફ્રાસ્ટ્રક્સચર’ નામની ભાગીદારી પેઢી દ્વારા ખોટી રીતથી કબજે કરવા માટે ગોઠવણપૂર્વક સોગંદનામા, દસ્તાવેજો અને સહીઓ બનાવવામાં આવી હતી. આ ભાગીદારી પેઢી સાથે બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમના બે પુત્રો—તૌસીફ આલમ અને તજમ્મુલ આલમ—સાથે કુલ આઠ લોકો સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદ અનુસાર, આરોપીઓએ મૃત્યુ પામેલા અસદઅલી મોમીન—જેઓનું નિધન 3 ઑક્ટોબર 2024ના રોજ થયું હતું—તેમના નામે ખોટાં દસ્તાવેજો બનાવ્યા અને તેમને જીવિત બતાવીને ખોટી સહી કરાવી બતાવી હતી. બનાવટી આધાર કાર્ડ, ફોટો અને નોટરી કરાયેલા દસ્તાવેજો રજુ કરીને જમીનનો હેતુફેર અને NA પરિશિષ્ટમાં ફેરફાર કરાવીને જમીન પચાવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાવતરમાં સબ્બીર અહેમદ શેખ, સમીર અહેમદ શેખ, મોહમ્મદ ફૈઝાન, મોહમ્મદ ઇસરાર, અમીક મહેબૂબ ઘોરી અને મોહમ્મદ હનીફ સાથે કોર્પોરેટરના બંને પુત્રોનો પણ મુખ્ય રોલ રહ્યો છે. આ તમામ સામે BNSની કલમ 61(2), 318(4), 338, 340(2), 336(1), 336(2) અને 336(3) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનો પણ ઉલ્લેખ FIRમાં છે.
પોલીસે જણાવ્યું છે કે તપાસ દરમિયાન આરોપીઓના બેંક ખાતા, મોબાઇલ રેકોર્ડ તથા સરકારી કચેરીઓમાં રજુ કરાયેલા દસ્તાવેજોની સાચાઈનું મૂલ્યાંકન કરવામાં આવશે. ફરિયાદી ગુલામ હુસૈને જણાવ્યું કે તેમની કંપની આ જમીન પર પ્રોજેક્ટ વિકસાવી રહી હતી, પરંતુ ભૂમાફિયાઓએ ખોટી રીતથી જમીન કબજે કરવાની કોશિશ કરી. મૃતકના નામે દસ્તાવેજો તૈયાર કરાયા હોવા સાથે આ કૌભાંડ વધુ ગંભીર બન્યું છે. કરોડો રૂપિયાની આ જમીનના કૌભાંડથી વટવા વિસ્તારના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટોને પણ અસર થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel