ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા બાદ ગાઝાના લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન નેતન્યાહુએ કહ્યું કે, જો હમાસ ઇઝરાયેલના બંધકોને પરત કરવા અને તેમના શસ્ત્રો હેઠા મૂકવા માટે સંમત થાય, તો યુદ્ધ આવતીકાલે જ સમાપ્ત થઈ જશે.
હવે જોવાનું એ રહે છે કે, હમાસ બેન્જામિન નેતન્યાહુના પ્રસ્તાવને સ્વીકારે છે કે કેમ ? અત્રે ઉલ્લેખનીય છે કે યાહ્યા સિનવારને, ગઈકાલ 17 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલની સેનાએ માર્યો હતો. હમાસના વડા સિનવાર ગયા વર્ષે 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલમાં હવાઈ અને જમીન માર્ગે કરેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. બરાબર એક વર્ષ અને 10 દિવસ બાદ ઇઝરાયેલે યાહ્યા સિનવારને મારી નાખ્યો. યાહ્યા સિનવારની સાથે અન્ય બે આતંકીઓ પણ ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે.
Yahya Sinwar is dead.
He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces.
While this is not the end of the war in Gaza, it's the beginning of the end. pic.twitter.com/C6wAaLH1YW
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) October 17, 2024
ગાઝાના લોકોને સીધો સંદેશ
બેન્જામિન નેતન્યાહુએ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક વીડિયો મેસેજમાં કહ્યું કે, યાહ્યા સિનવર મરી ગયો છે. ઇઝરાયેલના બહાદુર સૈનિકોએ તેને રફાહમાં મારી નાખ્યો છે. જો કે, આ ગાઝામાં યુદ્ધનો અંત નથી. પરંતુ આ ચોક્કસપણે યુદ્ધના અંતની શરૂઆત છે. ગાઝાના લોકોને મારો સીધો સંદેશ એ છે કે યુદ્ધ કાલે સમાપ્ત થઈ શકે છે, પરંતુ તે ત્યારે જ સમાપ્ત થશે જો હમાસ તેના શસ્ત્રો મૂકે અને ઇઝરાયેલી બંધકોને પરત કરાય.
બંધકોને પરત લાવવા માટે પ્રતિબદ્ધ
નેતન્યાહુએ માહિતી આપી છે કે, હમાસે ગાઝામાં 101 લોકોને બંધક બનાવ્યા છે. જેમાં ઈઝરાયેલ સહિત 23 દેશોના નાગરિકો સામેલ છે. ઇઝરાયેલ તે તમામને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે, ઈઝરાયેલ બંધકોને પરત કરનારાઓની સુરક્ષાની ખાતરી આપે છે.
ઇઝરાયેલ બંધકોને શોધી કાઢશે
નેતન્યાહુએ બંધકોને પકડી રાખનારાઓને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ સતત તેમનો પીછો કરી રહ્યું છે. બંધકોને નુકસાન પહોંચાડનારાઓને ઇઝરાયેલ ચોક્કસપણે શોધી કાઢશે. નેતન્યાહુએ કહ્યું કે, ઈરાન દ્વારા સમર્થિત આતંકવાદની ધરી સૌ કોઈની નજર સામે તોડવામાં આવી રહી છે.
આતંકના શાસનનો અંત આવશે
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વધુમાં કહ્યું કે, હિઝબુલ્લાના નસરાલ્લાહ ચાલ્યા ગયા છે. મોહસીનનું પણ મોત થયું હતું. હાનિયા, દેફ અને સિનવરનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. ઈરાને પોતાના પર અને સીરિયા, લેબનોન અને યમનના લોકો પર લાદેલા આતંકનું શાસન હવે સમાપ્ત થશે. તેમણે કહ્યું કે જે લોકો મધ્ય પૂર્વમાં શાંતિ અને સારું ભવિષ્ય ઈચ્છે છે તેમણે એક થવું જોઈએ.
હમાસના હુમલામાં 1200 લોકોના મોત થયા હતા
7 ઓક્ટોબર, 2023 ના રોજ, હમાસે ઈઝરાયેલ પર ઈતિહાસમાં સૌથી મોટો આતંકવાદી હુમલો કર્યો. લગભગ 2500 હમાસ આતંકવાદીઓએ સમગ્ર ઇઝરાયેલમાં મૃતદેહો ઢાળી દીધા હતા. આ આતંકવાદી હુમલામાં 1200 થી વધુ ઇઝરાયલી નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ પછી ઇઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.