દેશમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર ૧૯ એપ્રિલે મતદાન થવાનું હોવાથી આજે સાંજથી આ બેઠકોમાં ચૂંટણી પ્રચાર સમાપ્ત થઇ ગયો છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ નેતૃત્ત્વવાળા એનડીએએ અને વિરોધ પક્ષોના ગઠબંધન ઇન્ડિયાએ મતદારોને રિઝવવાના તમામ પ્રયત્નો કર્યા હતાં.
પ્રથમ તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તે બેઠકોના વિસ્તારોમાં ભાજપના પ્રચારનું નેતૃત્ત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું. તેમણે અનેક રેલીઓ સંબોધી હતી તથા રોડ શો પણ કર્યા હતાં. વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિતના પ્રધાનોએ પણ પ્રચાર કર્યો હતો.
કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અને પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએો પ્રચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની ૧૦૨ બેઠકોના વર્ષ ૨૦૧૯ની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો યુપીએએ ૪૫ અને એનડીએએ ૪૧ બેઠકો જીતી હતી.
૧૯ એપ્રિલે પ્રથમ તબક્કા હેઠળ તમિલનાડુની તમામ ૩૯ બેઠકો, રાજસ્થાનની ૧૨ બેઠકો, ઉત્તર પ્રદેશની ૮, મધ્ય પ્રદેશની ૬, આસામની ૫, મહારાષ્ટ્રની ૫, ઉત્તરાખંડની ૫, બિહારની ૪, પશ્ચિમ બંગાળની ૩, મણિપુરની બે, અરૂણાચલ પ્રદેશની બે, મેઘાલયની બે, આંદામાન અને નિકોબારની ૧, મિઝોરમની ૧, નાગાલેન્ડની ૧, પુડુચેરીની ૧, સિક્કિમની ૧, લક્ષદ્વીપની ૧, ત્રિપુરાની ૧, જમ્મુ-કાશ્મીરની ૧ અને છત્તીસગઢની ૧ બેઠક પર મતદાન થવાનું છે.
છત્તીસગઢમાં નકસલવાદ ગ્રસ્ત બસ્તરમાં પ્રથમ તબક્કા હેઠળ ૧૯ એપ્રિલે મતદાન થવાનું છે. આ માટે સમગ્ર બસ્તરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તમિલનાડુમાં પ્રચારના અંતિમ દિવસે ડીએમકે નેતા અને મુખ્યપ્રધાન સ્ટાલિને આ વખતની ચૂંટણીને બીજી સ્વતંત્રતા ચળવળ ગણાવી હતી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં અનુક્રમે સહરાનપુર અને મોરાદાબાદમાં રેલીઓને સંબોધી હતી.
જમ્મુ-કાશ્મીરમાં વડાપ્રધાન મોદીએ રાજ્યના લોકોને વિધાનસભા ચૂંટણી યોજવા અને રાજ્યનો દરજ્જો આપવાની ખાતરી આપી હતી. અમિત શાહે પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ૩૦ સપ્ટેમ્બર સુધીની ડેડલાઇન પહેલા વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે.