સાબરકાંઠાના હિંમતનગરથી ખેડગામ થઈને 22 કિલોમીટર અને હિંમતનગર નેશનલ હાઇવે 48 ગાંભોઈથી માત્ર સાત કિમીના અંતરે મા આશાપુરી બિરાજમાન છે. હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામની સીમમાં અરવલ્લીની ગિરમાળાઓ વચ્ચે કુદરતી સૌંદર્ય સાથે 800 વર્ષ જૂનું આશાપુરી માનું મંદિર આવેલું છે. વર્ષો પહેલા સ્થાપિત થયેલું આ મંદિર ત્રણ ગામની વચ્ચે આવેલું છે.
હિંમતપુર ગામના ડોક્ટર જગન્નાથ નામના વ્યક્તિને મા આશાપુરીએ સ્વપ્નમાં આવી સ્થાનિક જગ્યાએ પ્રગટ થવાની વાત કરી હતી. લોકો પોતાના પર વિશ્વાસ કેમ કરશે તે શંકા ડોકટરે માતાજી સમક્ષ વ્યક્ત કરતા માતાજી હિંમતપુરના ત્રણ ગામના આગેવાન ગણાતા મૂખીના સ્વપ્નમાં પણ આવ્યા હતા અને સ્થાનિક લોકોને આ વાતની જાણ કરી પછી આ મંદિરનું નિર્માણ થયું હતુ. હજારો લોકો મા આશાપુરીના નિયમિત દર્શને આવે છે. શ્રદ્ધા તેમજ ભક્તિના અનોખા સંયોગના પગલે અહીં આવનારા દરેક વ્યક્તિને મા આશાપુરીના હજારો પરચા મળતા રહે છે. કેટલાય વર્ષોથી નિયમિતપણે મા આશાપુરી મંદિરે આવનારા ભક્તોની દરેક આશા પૂરી થતા ભાવિકોને મા પર અતૂટ શ્રદ્ધા છે.
મા આશાપુરીના મંદિરે ચૈત્ર નવરાત્રી અને આસો સુદ નવરાત્રીમાં આઠમના દિવસે મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે. મંદિરે પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરે છે અને ભોજન પ્રસાદનો લાભ લે છે. હિંમતપુર ગામ પાસે આવેલા આશાપુરી મંદિરે બે બહેનો બિરાજે છે. જેમાં એકનું નામ આશા અને એક નામ પૂરી છે જે નાની પ્રતિમા છે તે આશા મા ની છે અને જે મોટી પ્રતિમા છે પૂરી મા ની છે આમ બંને બહેનોના નામથી આશાપુરી નામ પડ્યું છે.
કચ્છમાં આવેલા માતાના મઢ મા આશાપુરાના મંદિરે ના જઈ શકતા ભાવિકો હિંમતપુરના મંદિરે આવી કચ્છમાં માતાજીના દર્શન કર્યાનો સંતોષ માને છે.