મહુધા ધારાસભ્યના હસ્તે નડિયાદના અરેરા ખાતે રૂ. ૧૪ લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયત, રૂ. ૯૦ લાખના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અંધજ મુકામે ૭ લાખના ખર્ચે નવીન નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અરેરા ખાતે લોકાપર્ણ કરાયેલ નવીન ગ્રામ પંચાયતમાં કુલ પાંચ રૂમ પૈકી કોમ્પ્યુટર રૂમ, હોલ, વીસી રૂમ સહિત ઇ-ગ્રામ સેન્ટરનો સમાવેશ થાય છે. તથા નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ૧૪ રૂમનો સમાવેશ થાય છે. અરેરા ખાતે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનતા અરેરા ગામ સહિત આસપાસના ૦૮ ગામોને આરોગ્યની વધુ સારી અને ગુણવત્તાયુક્ત સુવિધાઓનો લાભ થશે. ૨૫ જેટલા લોકોના મેડિકલ સ્ટાફ સાથે સજ્જ અરેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૨૪ કલાક પ્રસુતિની સારવાર આપવામાં આવશે. ઉપરાંત અન્ય નાના-મોટા રોગોની સારવાર, લેબોરેટરી ટેસ્ટ, દવા વિતરણ અને રસીકરણની સુવિધાઓ પણ લોકોને સરળતાથી ઉપલદ્ધ થશે. આ સિવાય આરોગ્યની સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે અરેરા ખાતે ટુંક જ સમયમાં રૂ. ૧૨ લાખના ખર્ચે નવી એમ્બ્યુલન્સ આપવાની જાહેરાત પણ મહુધા ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહુધા ધારાસભ્યએ મહુધા વિધાનસભા માટે સતત વિકાસના કાર્યોની મંજૂરી આપવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તથા ઉપસ્થિત સૌને સરકારી યોજનાઓના કોઈપણ લાભ માટે વિના સંકોચ તેમનો સંપર્ક કરવા માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ ખેડા નડિયાદ, નડિયાદ તાલુકા હેલ્થ ઓફિસર, નડિયાદ તાલુકા વિકાસ અધિકારી, નડિયાદ કાર્યપાલક ઇજનેર, અરેરા અને અંઘજ ગામના સરપંચઓ, તાલુકા પંચાયત સભ્યઓ, શિક્ષકો, આશા વર્કર, આંગણવાડી વર્કર સહિત મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)