સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત આણંદ દ્વારા જીલ્લાના જી.એન.ડી. મેનેજર જીગ્નેશ ઠક્કર અને સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો.ભરત પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુકૃપા સ્પેશિયલ સ્કુલ અને અને સી.વી.એમ. યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન આણંદ ખાતેના સુપ્રસિદ્ધ શ્રી એચ.એમ.પટેલ બેડમિન્ટન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના ૩૩ જિલ્લાઓના ૫૦ જેટલા ૧૬ થી ૨૧ વર્ષના મનોદિવ્યાંગ સ્પર્ધકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. કપડવંજનો મનન પટેલ સુંદર સ્પર્ધામાં ખુબ જ ઉમદા દેખાવ કરતા સ્પેશિયલ ઓલમ્પિકની આ બેડમિન્ટન સ્કીલ કોમ્પીટીશનમાં પ્રથમ ક્રમાંકે રહ્યો હતો.અત્રે નોંધનીય છે કે મનન પટેલ હાલ કપડવંજ કેળવણી મંડળ સ્થિત બેડમિન્ટન હોલ ખાતે બેડમિન્ટન કોચ અને કોલેજના ફીઝીકલ ડાયરેક્ટર ડો.જગજીતસિંહ ચૌહાણ પાસે સતત આઠ વર્ષથી તાલીમ મેળવી રહ્યો છે.
આ અગાઉ પણ મનન ખેલ મહાકુંભ ૨૦૧૬ માં રાજ્ય કક્ષાએ વિજેતા થયો હતો તેમજ સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ માટે પણ સંભવિત ખેલાડીઓના લીસ્ટમાં પસંદગી પામી ઝારખંડના બોકારો ખાટે નેશનલ પ્રીપરેટરી કેમ્પ માટે ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.આગામી તા.૧૬ થી ૨૪ માર્ચ ૨૦૨૪ દરમિયાન આસામના ગુવાહાટી ખાતે યોજાનાર નેશનલ ગેમ્સમાં મનન ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરશે અને આ પૂર્વે કપડવંજ કેળવણી મંડળના સહયોગથી સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત તરફથી કપડવંજ ખાતે આયોજિત સપ્ત દિવસીય કેમ્પમાં ગુજરાતની નેશનલ ટીમમાં પસંદ થયેલ તમામ ચાર ખેલાડીઓ સઘન તાલીમ મેળવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ ઓલમ્પિક ભારત એક આંતરરાષ્ટ્રીય સંસ્થાન છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય માનસિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ માટે વર્ષ દરમિયાન વિવિધ રમતોની તાલીમ આપી જીલ્લા રાજ્ય તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની રમતો માટે તાલીમબદ્ધ કરવાનો છે. જેનાથી રમતવીરોની શારીરિક માનસિક ક્ષમતામાં અભૂતપૂર્વ વૃદ્ધિ થાય અને સમાજ સાથે રમત-ગમતના માધ્યમથી તાદાત્મ્ય સાધી શકે.
આ અપ્રતિમ સિદ્ધિ મેળવી કપડવંજ નગરનું નામ રોશન કરવા બદલ કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ ડો.હરીશ કુંડલીયા, મંત્રી અનંતભાઈ શાહ, સી.ઈ.ઓ. મૌલિકભાઈ ભટ્ટ અને સૌ બેડમિન્ટન પ્રેમીઓ દ્વારા મનનને શુભકામનાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.