કપડવંજ શહેરમાં સરકારની અબજોની મિલકતો બિન ઉપયોગી હાલતમાં પડી રહી છે. અનેક મિલ્કતોનું જાણે કોઈ રણીધણી ન હોય તેમ જર્જરીત, ખંડેર હાલતમાં થઈ ગઈ છે. અનાથ થઈ ગયેલી અને મરવાના વાંકે જીવી રહી હોય તેમ આ બિન ઉપયોગી મિલ્કતોની સાથે બારી- બારણાં,કબાટ, ફર્નિચર પણ નકામા બની રહ્યા છે, કાં તો ચોરાઈ ગયા છે અથવા ઉધઈ ખાઈ રહી છે. આમ સરકારની મિલ્કતોની સત્વરે જાળવણી થાય અને તેનો યોગ્ય ઉપયોગ થાય તે સમયની માંગ છે.
શહેરમાં તાલુકા સેવા સદનના કેમ્પસમાં આવેલ જૂનું તાલુકા પંચાયતનું બિલ્ડીંગ, જૂનું ન્યાય મંદિર, ડાકોર રોડ પર આવેલ પી.એન. ટેકનિકલ હાઈસ્કૂલ, નદી દરવાજા પી.ડબલ્યુ.ડી. કેમ્પસમાં આવેલ જૂનું રેસ્ટ હાઉસ, મોડાસા રોડ બાગમાં આવેલ કોમ્યુનિટી હોલ, એમ.પી. હાઈસ્કૂલની પાછળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ડાકોર ચોકડી પર આવેલ જુનો ન્યાયાધીશનો બંગલો, મીના બજાર ફાયર સ્ટેશન બહારનું મકાન ( કપડવંજ તાલુકા વિદ્યાર્થી સંઘ વાળું મકાન ) નો વર્ષોથી કોઈ ઉપયોગ થતો નથી અને બંધ હાલતમાં છે. સરકારની અબજોની આ મિલકતમાં અનેક બિલ્ડીંગોના બારી-બારણાં, વાયરીંગ ચોરાઈ ગયા છે. અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે અથવા તો કચરાપેટી બની ગયા છે. અને નાગરિકો પ્રશ્ન કરી રહ્યા છે કે આ બિનવારસી બિલ્ડીંગોની દેખરેખ રાખવાની, જાળવણી કરવાની જવાબદારી કોની છે ?
ઉપરોક્ત બિલ્ડીંગોમાં કોમ્યુનિટી હોલ,જુનો ન્યાયાધીશનો બંગલો,જૂનું રેસ્ટ હાઉસ ખંડેર હાલતમાં, જૂનું કોર્ટ બિલ્ડીંગ જર્જરીત, જ્યારે પી એન ટેકનીકલ હાઇસ્કુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિદ્યાર્થી સંઘ અને જૂનું તાલુકા પંચાયતનું બિલ્ડીંગ સારી હાલતમાં છે અને તેનો ઉપયોગ કરી શકાય તેવી હાલતમાં છે. અને તેની પણ જો જાળવણી અને યોગ્ય ઉપયોગ ન થાય તો તે પણ સમય જતાં જર્જરીત અને ખંડેર હાલતમાં ફેરવાઈ જશે.
આ ઉપરાંત નગરપાલિકાના ત્રણ કોમ્પ્લેક્સ પણ તૈયાર થઈને પડી રહ્યા છે.જેમાં કુબેરજી ચોકડી, એમ. કે. સેલ્સના મેડા ઉપરની દુકાનો તથા એમ.પી. હાઈસ્કૂલના ગ્રાઉન્ડની બહાર આવેલ દુકાનો પણ તૈયાર થયે સમય થયો હોવા છતાં તેની હરાજી ન થતાં તે પણ બિન ઉપયોગી હાલતમાં છે.