Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

ગુજરાત ACBની સતત કાર્યવાહીમાં અનેક અધિકારીઓ ઝડપાયા, લાંચિયાઓમાં ફફડાટ

ગુજરાત ACBની સતત કાર્યવાહીમાં અનેક અધિકારીઓ ઝડપાયા, લાંચિયાઓમાં ફફડાટ

ગુજરાતમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર સામે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલી કાર્યવાહી દરમિયાન સરપંચોના પતિઓ, નગરપાલિકા કર્મચારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને ક્લાસ-1 અધિકારીઓ સુધીના અનેક લોકો ACBની જાળમાં ફસાયા છે. કરોડોની અપ્રમાણસર સંપત્તિથી લઈને લાખોની લાંચ સુધીના કિસ્સાઓએ રાજ્યના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં રૂ.5 લાખની લાંચ લેતા બે ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હરીપર ગામમાં ખાણ વ્યવસાયીને હેરાન ન કરવા બદલ રૂ.30 લાખની લાંચ માંગવામાં આવી હતી. બાદમાં સોદો રૂ.20 લાખમાં નક્કી થયો હતો. પ્રથમ હપ્તા તરીકે રૂ.5 લાખ સ્વીકારતી વખતે હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ સહિત બે વ્યક્તિઓને ACBએ રંગેહાથ ઝડપી લીધા હતા.

બનાસકાંઠામાં સરપંચના પતિ ACBના સકંજામાં

ડીસા તાલુકાના ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ વધુજી સુરાજી સોલંકીએ ખેતર અને તળાવમાંથી માટી ખનનની મંજૂરી અપાવવાના બહાને રૂ.1,10,000ની લાંચ માંગી હતી. ફરિયાદીના સહકારથી ACBએ ઢુવા ચોકડી રોડ નજીક ટ્રેપ ગોઠવી આરોપીને લાંચની રકમ સ્વીકારતા જ ઝડપી લીધો હતો. સમગ્ર રકમ સ્થળ પરથી જ જપ્ત કરવામાં આવી હતી.

ગાંધીનગરના ક્લાસ-1 અધિકારી પાસેથી કરોડોની સંપત્તિ મળી

ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે મુખ્ય વિદ્યુત નિરીક્ષક તરીકે ફરજ બજાવતા ક્લાસ-1 અધિકારી અશ્વિન બી. ચૌધરીને સોલાર પ્રોજેક્ટ સંબંધિત કામ માટે રૂ.5 લાખની લાંચ લેતા ACBએ દબોચી લીધા હતા. તપાસ દરમિયાન તેમના નિવાસસ્થાનેથી રૂ.1.76 કરોડની રોકડ, દાગીના અને અન્ય મૂલ્યવાન ચીજવસ્તુઓ મળી આવી હતી. કુલ મળીને રૂ.2.64 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

સુરત મનપાના એન્જિનિયર સામે 69 લાખની અપ્રમાણસર સંપત્તિનો કેસ

સુરત મહાનગરપાલિકાના ક્લાસ-3 આસિસ્ટન્ટ એન્જિનિયર રસિકભાઈ મગનભાઈ પટેલ સામે ACBએ ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમણે પોતાની કાયદેસરની આવક કરતાં 70.13 ટકા વધુ સંપત્તિ એકઠી કરી હતી. અંદાજે રૂ.68.98 લાખની અપ્રમાણસર મિલકતો મળી આવતા ACBએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સુરત મનપાના ક્લાર્કને રૂ.3,500ની લાંચ લેતા ઝડપી પાડ્યા

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં કાર્યરત આકારણી ક્લાર્ક રાકેશ વનમાળીએ એક મિલકતનો વેરો કોમર્શિયલને બદલે રહેણાંક તરીકે ચાલુ રાખવા માટે રૂ.3,500ની લાંચ માંગી હતી. ફરિયાદીના આધારે ACBએ ટ્રેપ ગોઠવી લાંચની રકમ સ્વીકારતા જ આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.

ઉધના ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર પણ ઝડપાયા

સુરતના ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર જીજ્ઞેશ મોદીને પાણીની લાઇનના બિલ પાસ કરવા માટે લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા હતા. આ કેસમાં પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમરેલીમાં જન્મનો દાખલો આપવા માટે લાંચ

અમરેલી જિલ્લાના બાબરા નગરપાલિકામાં જુનિયર ક્લાર્ક અને ઇન્ચાર્જ સબ-રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા નનુભાઈ મામૈયાભાઈ ગમારાને જન્મનો દાખલો કાઢી આપવા બદલ રૂ.4,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ભ્રષ્ટાચાર સામે ACBની ઝુંબેશ યથાવત

ગુજરાત ACBએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. કોઈપણ સરકારી અધિકારી અથવા કર્મચારી લાંચ માંગે તો નાગરિકો ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1064 પર ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદીની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.