વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની મંગળવારની શરૂઆત નિરાશાજનક રહી. સવારે 9.30 કલાકે બજાર ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં રહ્યા. સેન્સેક્સ 603.38 અંક ઘટીને 81,032 પર ખૂલ્યો હતો જ્યારે નિફ્ટી 181.25 અંક તૂટીને 24,786.50 પર ખૂલ્યો હતો. અમેરિકાના તાજેતરના નિર્ણયને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે અને બજારમાં દબાણ જોવા મળ્યું છે.
અમેરિકા તરફથી ભારતમાંથી થતી આયાત પર 50 ટકા ટેરિફ લગાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ટેરિફ 27 ઑગસ્ટ, 2025 ના રોજ રાત્રે 12:01 (EST)થી અમલમાં આવશે. અમેરિકન વહીવટીતંત્રનું કહેવું છે કે ભારત રશિયાથી તેલ ખરીદી કરીને યુક્રેન યુદ્ધમાં મોસ્કોને આડકતરી રીતે નાણાકીય સહાય પહોંચાડી રહ્યું છે. આ પગલાએ ભારત-અમેરિકા વેપાર સંબંધો પર નકારાત્મક અસર પેદા કરી છે.
આ નવો ટેરિફ 1 ઑગસ્ટ પહેલા લાગુ કરાયેલા 25 ટકા પારસ્પરિક ટેરિફ ઉપરાંત લાગુ થશે. અંદાજ મુજબ, આથી ભારતની અમેરિકાને થતી નિકાસ પર આશરે $87 બિલિયન (₹7.3 લાખ કરોડ) જેટલી અસર થઈ શકે છે. ખાસ કરીને કાપડ, રત્નો-ઝવેરાત, ચામડું, દરિયાઈ ઉત્પાદનો, રસાયણો અને ઓટો પાર્ટ્સ જેવા ઉદ્યોગો આ નિર્ણયથી ભારે પ્રભાવિત થશે. જો કે ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ઊર્જા સંસાધનો જેવી કેટલીક અગત્યની કેટેગરીને આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વૈશ્વિક સ્તરે પણ નબળા સંકેતો જોવા મળ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફેડરલ રિઝર્વ વચ્ચે વધતા મતભેદના કારણે એશિયન ઇક્વિટી માર્કેટ્સમાં ઘટાડો નોંધાયો હતો. MSCI એશિયા પેસિફિક ઇન્ડેક્સ 0.7 ટકા તૂટ્યો હતો. જાપાનનો નિક્કી 1.09 ટકા ઘટ્યો જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.86 ટકા નબળો રહ્યો. ડૉલરની મજબૂતી અને વૈશ્વિક રાજકીય-આર્થિક તણાવના કારણે રોકાણકારોની ભાવના દબાઈ ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel