ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલ રાજ્યમાં બે સક્રિય વાતાવરણીય સિસ્ટમ્સની અસર જોવા મળી રહી છે, જેના કારણે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદી માહોલ વ્યાપી રહ્યો છે. હવામાન વિભાગના તાજેતરના ઈનપુટ્સ અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી ત્યાં રેેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જેવા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રેેડ એલર્ટ જાહેર કરીને સ્થાનિક વહીવટ તંત્ર અને નાગરિકોને વધુ સાવચેત રહેવા જણાવ્યું છે.
આ ઉપરાંત ઓરેન્જ એલર્ટ હેઠળ આજે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, સુરેન્દ્રનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને બોટાદ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં અચાનક પાણી ભરાવાની અને નદી-નાળા ઓવરફ્લો થવાની શક્યતાઓ વધતા તંત્રએ બચાવ વ્યવસ્થાઓ સક્રિય કરી છે.
દરમિયાન, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમ કે મોરબી, રાજકોટ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે પણ વાવાઝોડા સાથે વરસાદ પડવાનો અંદાજ હોવાને કારણે સ્થાનિક વાસીઓને ખાસ કરીને ઓરડામાં રહેવા અને ઓછી જરુરિયાતે જ બહાર નીકળવા સૂચવાયું છે.
હવામાન વિભાગે આગળની 24 થી 48 કલાક દરમ્યાન વરસાદી પ્રવૃતિ વધુ સક્રિય રહેવાની આગાહી કરી છે અને તંત્ર સાથે મળીને NDRF ટીમો, ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટી તંત્રને સક્રિય રાખવામાં આવ્યા છે. નદીઓના કાંઠે વસેલા વિસ્તારોમાં અને શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં રહેનારા નાગરિકોને તાત્કાલિક એલર્ટ મળી રહે તે માટે કંટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ સતત ચાલુ છે.