કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ‘ઓપરેશન અભ્યાસ’ મોકડ્રિલનું આયોજન કરાયું છે. જે અન્વયે નવસારી મહાનગર પાલિકામાં જીલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી, એસપી સુશીલ અગ્રવાલ, સાંસદ ધવલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈની ઉપસ્થિતિમાં નવસારી મહાનગર પાલિકામાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 4.00 કલાકે મનપામાં ઇમરજન્સી સાયરન વગાડી જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર તથા પોલીસની ટીમે આવીને મનપામાં લાગેલી આગને પાણી છંટકાવ કરી બુઝાવી હતી અને ઘાયલોને બહાર કાઢી એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતાં. એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવારની સાથે મનપાની પાસેની શાળા નવસારી હાઈસ્કૂલમાં બનાવેલ સેન્ટરમાં લઈ જઈ જરૂરી સારવાર કરી હતી. આ ડ્રીલમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ હાજર રહી મોકડ્રિલ નીકળી હતી અને યુદ્ધ તથા ઈમરજન્સીની પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તેની માહિતી મેળવી હતી.
જિલ્લામાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન તા.07-05-2025ના રોજ સાંજે 04 વાગ્યાથી 08 વાગ્યાં સુધી કરાયું છે.
આ સાથે, તૈયારી સ્વરૂપે, સાંજે 7.30 થી 08 વાગ્યાં દરમ્યાન હવાઈ હુમલો (એર રેઇડ) દરમિયાન સુરક્ષાની તૈયારી સ્વરૂપે નાગરિકો તથા તંત્ર દ્વારા કયા કયા પગલા લેવાના હોય તે અંગે મોકડ્રિલ યોજાશે. જેમાં હવાઈ હુમલો ટાળવા માટે સંપૂર્ણ બ્લેકઆઉટ એટલે કે સમગ્ર જિલ્લાની તમામ લાઈટ્સ બંધ કરી દેવામાં નાગરિકોને નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.