વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭મી સપ્ટે.ના રોજ વિશ્વકર્મા જયંતી પર પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરી હતી. દિલ્હી સ્થિત યશોભૂમિ કન્વેંશન સેંટરનું ઉદ્ધાટન કર્યા બાદ મોદીએ કહ્યું હતું કે જ્યારે બેંકો વિશ્વકર્મા સાથિયોંની ગેરંટી ના સ્વીકારતી હોય ત્યારે તમારી ગેરંટી મોદી આપે છે. મોદીએ વિશ્વકર્મા સાથિયોંની તાલિમ, ટેક્નોલોજી અને ટૂલ્સનો મંત્ર પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હવે સરકાર વિશ્વકર્મા સાથીઓનું માર્કેટિંગ પણ કરશે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર લાભાર્થીઓ માટે ૧૩ હજાર કરોડ રૂપિયા ફાળવશે. જેનો મુખ્યત્વે લાભ વિવિધ ક્ષેત્રોના કારીગરોને આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮ સ્ટેમ્પ શીટ્સ બહાર પાડી હતી, જેમાં ૧૮ પરંપરાગત વેપારનો પણ સમાવેશ કરાયો છે. વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થી કારીગરોને લોન આપવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં એક લાખ જ્યારે બીજા તબક્કામાં બે લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. વિવિધ ક્ષેત્રોના કારીગરો અને તેમના ધંધાના વિકાસ માટે આ વિશ્વકર્મા યોજના લાવવામાં આવી હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર વિશ્વકર્મા સાથિયોંના સામર્થ્ય અને સમૃદ્ધિ વધારવામાં સહયોગ કરશે, આ યોજના ૧૮ પ્રકારના પરંપરાગત કામો જેમ કે લુહારી કામ, સુધારી કામ વગેરે સાથે જોડાયેલા વિશ્વકર્મા સાથિયોં માટે બનાવવામાં આવી છે.
જે ૧૮ પ્રકારના કામો કરનારાઓને લાભ આપવામાં આવશે તેમાં લુહારી, સુધારી, સોની, કુંભાર, મૂર્તિકાર, બુટ કે ચપ્પલો બનાવનારા, હેર કટિંગ, કપડા સીવવાનું કામ વગેરેનો સમાવેશ કરાયો છે. આ વ્યવસાયોને પ્રોત્સાહન આપવામાં આવશે જેમાં કારીગરને તાલિમ આપવાથી લઇને વસ્તુના વેચાણ સુધી મદદ કરવામાં આવશે તેવી ખાતરી સરકારે આપી હતી.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યશોભૂમિ ઇન્ડિયા ઇંટરનેશનલ કન્વેંશન એંડ એક્સપો સેંટર (આઇઆઇસીસી)ના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું હતું. જે માટે મોદી ધૌલાકુવા મેટ્રો સ્ટેશનથી ટ્રેનમાં સવાર થઇને મેટ્રોની સફર કરતા દ્વારકા સેક્ટર ૨૫ સ્થિત યશોભૂમિ કન્વેંશન સેન્ટર પર પહોંચ્યા હતા.
આ કન્વેંશન સેંટર ૮.૯ લાખ વર્ગ મીટરથી વધુ યોજના ક્ષેત્ર અને ૧.૮ લાખ વર્ગ મીટરથી વધુ કંસ્ટ્રક્ટેડ એરિયામાં ફેલાયેલુ સેંટર વિશ્વનું સૌથી મોટુ એમઆઇસીઇ (બેઠક, પ્રોત્સાહન, સમ્મેલન અને પ્રદર્શન) જેવી સુવિધાઓ પુરી પાડશે.
જેમાં ૧૫ કન્વેંશન સેન્ટરો છે, અને ૧૧ હજાર લોકો બેસી શકે તેવી સુવિધા આપવામાં આવી છે. યશોભૂમિમાં મીડિયા રૂમ, વીવીઆઇપી લોંજ, ક્લોક સુવિધાઓ, માહિતી કેન્દ્ર, ટિકટિંગ જેવી સુવિધા આપવામાં આવી છે.