સંઘ માને છે કે જરૂર હોય ત્યાં સુધી અનામત જારી રાખવી
ભાજપ અને આરએસએસ અનામત વ્યવસ્થાના વિરોધી હોવાનું જણાવીને વિપક્ષો આક્રમક બની રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મોટું નિવેદન કર્યું છે. મોહન ભાગવતે રવિવારે હૈદરાબાદમાં એક શૈક્ષણિક સંસ્થાના કાર્યક્રમને સંબોધતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બંધારણ મુજબની અનામત વ્યવસ્થાનું હંમેશા સમર્થન કર્યું છે. સંઘનું માનવું છે કે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી અનામત જારી રાખવી જોઈએ. તેમણે હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોને ટાંકતા જણાવ્યું હતું કે વીડિયો ખોટો દાવો કરી રહ્યો છે કે આરએસએસ અનામત વ્યવસ્થાનો વિરોધ કરે છે. હું અહીં આવ્યો ત્યારે એક વીડિયો વાઇરલ કરાતો હતો કે આરએસએસ અનામતની વિરુદ્ધ છે. આ સદંતર ખોટી વાત છે. અનામત વ્યવસ્થાને
મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે તે દરમિયાન ભાગવતે અનામતને સમર્થન હોવાનો પુનરોચ્ચાર કર્યો છે.
નોંધનીય છે કે તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ શનિવારે આક્ષેપ કર્યા હતા કે ભાજપ અને સંઘ અનામતના વિરોધી છે. ભાગવતે ગયા વર્ષે નાગપુરમાં પણ જણાવ્યું હતું કે સમાજમાં ભેદભાવ રહે ત્યાં સુધી અનામત આપવી જોઈએ. સમાજમાં ભેદભાવ વ્યાપેલો છે, ભલે દેખાતો ના હોય. લોકસભા ચૂંટણીના પ્રચારમાં પણ અનામત મુદ્દે નિવેદનો થઇ રહ્યા છે. એક તરફ વિપક્ષનું કહેવું છે કે કેન્દ્રમાં ભાજપ ફરી સત્તા પર આવશે તો અનામત નાબૂદ કરી દેશે અને બંધારણ બદલી નાખશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓ એમ કહી રહ્યા છે કે બાબાસાહેબ પોતે પણ બંધારણ બદલી શકે નહીં.