ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ ભગુડામાં માંગલમાં તીર્થધામમાં ‘માંગલ શક્તિ સન્માન’ સાથે સંતવાણી લોકડાયરો યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં માંગલધામનો પાટોત્સવ એ હવે ‘પરમઉત્સવ’ બન્યાનું ભાવ દર્શન કરાવતાં પ્રસન્નતા વ્યક્ત કરી.
મોરારિબાપુએ ભગુડામાં કંઈક તત્ત્વ રહ્યાનું જણાવી પોતે પ્રવચન માટે નહિ પણ માને પગે લાગવાં આવતાં હોવાનું જણાવી માંગલધામનો પાટોત્સવ એ હવે ‘પરમઉત્સવ’ બન્યાનું ભાવ દર્શન કરાવતાં પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મોરારિબાપુએ શક્તિ એટલે માતાનાં નવ સ્વરૂપનો ઉલ્લેખ કરી જન્મદાતા માતા, ભારત માતા, ધરતી માતા, આદિ આંબા માતા, સીતા માતા, સરસ્વતી માતા, ગંગા માતા, ગાયત્રી માતા અને ગીતા માતા અને મહિમા સમજાવી આપણી આ માતા કાજળ આંજવા નહી, અંજવાળું આંજી રહી છે તેમ વંદના કરી. ભારતની સનાતન સંસ્કૃતિનાં પ્રકાશ માટે માનાં આશીર્વાદ રહ્યાનું જણાવ્યું.
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ ભગુડામાં માંગલમાં તીર્થધામમાં ‘માંગલ શક્તિ સન્માન’ સાથે યોજાયેલ જેમાં ઈશરદાન ગઢવી, હરસુરભાઈ ગઢવી, મહેશદાન ગઢવી, કરણીદાન ગઢવી, ભગવાનદાસ પટેલ તથા મનુભાઈ ચુડાસમાનું મોરારિબાપુ સાથે માયાભાઈ આહિર તથા કિર્તીદાન ગઢવીનાં હસ્તે ભાવ વંદના કરવામાં આવી.
આ પ્રસંગે જયંતીભાઈ ભાદેશિયા તથા રમેશભાઈ મેરજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
સમગ્ર આયોજન માર્ગદર્શક અને સંચાલનમાં મહેશભાઈ ગઢવી રહ્યાં હતાં તેઓએ આ સંસ્થા અને સ્વયંસેવકો દ્વારા થતી સનાતન સેવા પ્રવૃત્તિ અંગે ઉલ્લેખ કર્યો હતો.
દિવ્ય અને ભવ્ય પાટોત્સવ પ્રસંગનાં પ્રેરક અને શુભેચ્છક માયાભાઈ આહિરે સંતો, મહાનુભાવો અને ભાવિકોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
આ ઉત્સવમાં શેરનાથબાપુ, કણીરામબાપુ, ધનસુખનાથ બાપુ, બાલકનાથબાપુ, રમજુબાપુ, લહેરગીરીબાપુ, તુલસીદાસબાપુ, ઉર્જામૈયા સહિત સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી.
બુધવારથી રવિવાર દરમિયાન તીર્થધામ ભગુડામાં પાટોત્સવ સાથે સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાયો હતો. રામદેવપીર મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા, માંગલમા તથા ખોડિયારમા મૂર્તિ અનાવરણ, મહાકાળી ભવાઈ મંડળ બોટાદ દ્વારા ભવાઈ કાર્યક્રમ અને સંતવાણી લોકડાયરો યોજાયેલ.
રવિવારે યોજાયેલ લોકડાયરામાં કલાકારો કિર્તીદાન ગઢવી, સાંઈરામ દવે, દેવરાજ ગઢવી, રાજભા ગઢવી, બ્રિજરાજ ગઢવી, હરસુખગિરી ગૌસ્વામી, ઉમેશ બારોટ, સાગરદાન ગઢવી, મયુર દવે, રાજ ગઢવી, બાબુભાઈ આહિર, દીપકબાપુ હરિયાણી, પોપટભાઈ માલધારી તથા નાજાભાઈ આહિર દ્વારા જમાવટ થઈ હતી.
આ પ્રસંગે રાજકીય સામાજિક અગ્રણી તથા મહાનુભાવો અર્જુનભાઈ મોઢવાડિયા, જીતુભાઈ વાઘાણી, જવાહરભાઈ ચાવડા, ભિખુભાઈ વારોતરિયા, ભરતભાઈ સુતરિયા, શિવાભાઈ ગોહિલ, રઘુભાઈ હુંબલ, અંબરીશભાઈ ડેર, બાબુભાઈ માંગુકિયા, દિગુભા ગોહિલ, જીતુભાઈ કાછડ, જીતુભાઈ ડેર, જયેન્દ્રસિંહ જાદવ, બાબભાઈ કાગ, કુલદીપસિંહ ગોહિલ વગેરેની ઉપસ્થિતિ રહી હતી.
આ સમારોહમાં કેદાન ગઢવી લિખિત ‘કૃપા’ અને માયાભાઈ આહિર સંદર્ભે ‘એકચુલી’ પ્રકાશનનું વિમોચન કરવામાં આવેલ. સંસ્થાનાં રામભાઈ કામળિયા, માયુભાઈ કામળિયા સાથે કાર્યકર્તા અને સ્વયંસેવકો આયોજન વ્યવસ્થામાં જોડાયાં હતાં.
વરસાદી વાતાવરણમાં પણ આ મહોત્સવમાં સ્થાનિક ઉપરાંત દૂર સુદુરથી ભાવિકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં અને લાભ લીધો હતો.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)