ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 30 દિવસથી ઘમસાણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. એક મહિનાના યુદ્ધમાં ગાઝાના ઘણા વિસ્તારો ખંડેર બન્યા છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 10,022 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. તેમાં 4100 થી વધુ બાળકો છે. સંયુક્ત રાષ્ટ્રએ ટિપ્પણી કરી કે ગાઝા બાળકો માટે કબ્રસ્તાન બની રહ્યું છે. તે જ સમયે, હમાસના હુમલામાં 1,400 થી વધુ ઇઝરાયેલ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઉપરાંત આ યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 15 લાખ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સંયુક્ત રાષ્ટ્રએ ટિપ્પણી કરી કે ગાઝા બાળકો માટે કબ્રસ્તાન બની રહ્યું છે.
આગામી 48 કલાક મહત્ત્વપૂર્ણ
ઈઝરાયલી સૈન્યના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે ગાઝા નોર્થ ગાઝા અને સાઉથ ગાઝા એમ બે ભાગમાં વિભાજિત થઈ ગયું છે. ઈઝરાયલે તેને યુદ્ધનો મહત્ત્વપૂર્ણ તબક્કો ગણાવ્યો છે. ઈઝરાયલી મીડિયા અનુસાર આગામી 48 કલાકમાં ઈઝરાયલી સૈનિકો ગાઝા શહેરમાં પ્રવેશી શકે છે. બે દિવસ પહેલા નોર્થ ગાઝામાં જોરદાર બોમ્બમારો કરાયો હતો. ગાઝામાં ત્રીજી વખત કનેક્ટિવિટી બંધ કરી દેવામાં આવી હતી.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, છેલ્લા 24 કલાકમાં હમાસના 450થી વધુ ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા છે. જેમાં ટેરેરિસ્ટ કેમ્પ, મિલિટ્રી કમ્પાઉન્ડ, ઓબ્ઝર્વેશન પોસ્ટ અને એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પોસ્ટ સામેલ છે. ઈઝરાયલી સેનાએ હમાસના કેટલાક મિલિટ્રી કમ્પાઉન્ડ પર કબજો કરી લીધો છે, જ્યાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે.