એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. ઉલટાનું, તે ભારત સરકારને ટેક્સ ભરવાની બાબતમાં પણ ઘણું આગળ છે. કંપનીએ 16,000 કરોડથી વધુનો ટેક્સ ચૂકવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં મુકેશ અંબાણીએ જણાવ્યું કે કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં 16,639 કરોડ રૂપિયાનો ડાયરેક્ટ ટેક્સ ચૂકવ્યો છે. એટલું જ નહીં, કંપનીએ એજીએમમાં તેના વાર્ષિક પ્રદર્શન વિશે પણ માહિતી આપી હતી.
રિલાયન્સે અર્નિંગ-પ્રોફિટનો બનાવ્યો રેકોર્ડ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2022-23માં રૂ. 9,74,864 કરોડની કંસોલિડેટેડ રેવેન્યૂ મેળવ્યુ છે. જેમાં ટેક્સ ચૂકવતા પહેલા કંપનીનો નફો 1,53,920 કરોડ રૂપિયા રહ્યો છે. તે જ સમયે, કંપનીનો ચોખ્ખો નફો 73,670 કરોડ રૂપિયા રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
દેશમાં 12 લાખ કરોડનું કર્યુ રોકાણ
મુકેશ અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે છેલ્લા 10 વર્ષમાં દેશમાં 150 બિલિયન ડોલર (લગભગ 12,39,390 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. દેશમાં કોઈપણ ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલ આ સૌથી વધુ રોકાણ છે. આટલું જ નહીં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશમાં રોજગાર આપવાના મામલે પણ આગળ રહી છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, કંપનીએ 2.6 લાખ નોકરીઓ ઉમેરી છે. તે જ સમયે, કંપનીના ઓલ-રોલ કર્મચારીઓની સંખ્યા વધીને 3.99 લાખ થઈ ગઈ છે.
સામાજિક કાર્યોમાં ખર્ચ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પર ખર્ચ કરે છે. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીએ CSR પર 1,271 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. નીતા અંબાણીને લઈને રિલાયન્સની એજીએમમાં વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમની જગ્યાએ ઈશા, આકાશ અને અનંત ત્રણેયને કંપનીના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે છે.