આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ કોન્ક્લેવના પહેલા એડીશનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગે પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભવિષ્ય યુવા સાથીઓની રાહ જોઈ રહ્યું છે. વ્યક્તિના નિર્માણથી જ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. આજે દરેક ક્ષેત્રમાં ઉત્તમ નેતૃત્વની જરૂર છે. આપણે હંમેશા દિશા અને ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ કાર્યમાં SOUL જેવી સંસ્થાઓની મોટી ભૂમિકા રહેશે.
ભારત મંડપમ ખાતે યોજાયેલા આ બે દિવસીય કોન્ક્લેવમાં, રાજકારણ, રમતગમત, કલા, મીડિયા, આધ્યાત્મિકતા, જાહેર નીતિ, બિઝનેસ અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓ તેમની સક્સેસ સ્ટોરી શેર કરશે.
વડાપ્રધાનનું સંબોધન: વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ
રાષ્ટ્ર નિર્માણ માટે નાગરિકોના વિકાસ પર ભાર: વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે વ્યક્તિ નિર્માણ જ રાષ્ટ્ર નિર્માણનો આધાર છે. જન સે જગત (વ્યક્તિમાંથી વિશ્વ) નો વિકાસ થઈ શકે તે માટે શ્રેષ્ઠ નેતૃત્વનું ઊછેર ખૂબ જ આવશ્યક છે.
સમયની માંગ – શ્રેષ્ઠ લીડર્સ: પીએમ મોદીએ કહ્યું કે આજના સમયમાં શ્રેષ્ઠ નેતાઓનો વિકાસ કરવો એ રાષ્ટ્રની પ્રગતિ માટે આવશ્યક છે.
‘સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ’ – મહત્વપૂર્ણ પગલું: વિક્સિત ભારતના લક્ષ્યને પામવા માટે આ શૈક્ષણિક પહેલ એક મોટું અને મહત્વપૂર્ણ પગલું છે, જે રાષ્ટ્રની વિકાસ યાત્રામાં મદદરૂપ બનશે.
વડાપ્રધાને કહ્યું કે સ્વામી વિવેકાનંદ ભારતને ગુલામીમાંથી બહાર કાઢીને આમૂલ પરિવર્તન લાવવા માંગતા હતા અને તેઓ માનતા હતા કે જો તેમની પાસે શ્રેષ્ઠ 100 લીડર્સ હોય, તો તેઓ ભારતને માત્ર સ્વતંત્રતા જ નહીં પરંતુ તેને વિશ્વનો નંબર વન દેશ પણ બનાવી શકે છે. આપણે બધાએ આ મંત્ર સાથે આગળ વધવાનું છે.
આ કાર્યક્રમ દિલથી નજીક:
વડાપ્રધાને કહ્યું કે આજે દરેક ભારતીય 21મી સદીના વિકસિત ભારત માટે દિવસ-રાત કામ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, 140 કરોડ લોકોના દેશમાં પણ, આપણે દરેક ક્ષેત્રમાં, જીવનના દરેક પાસામાં શ્રેષ્ઠ નેતૃત્વ તૈયાર કરવું પડશે. કેટલીક ઘટનાઓ આવી હોય છે, જે હૃદયની ખૂબ નજીક હોય છે. આજનો કાર્યક્રમ પણ કંઈક એવો જ છે.
ત્શેરિંગ તોગબેનું સંબોધન:
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ‘સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ’ (SOUL) કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યા પછી ભૂટાનના વડા પ્રધાન દાસો ત્શેરિંગ તોગબેએ સંબોધન કર્યું હતું.. તેમણે કહ્યું, “હું શરૂઆતથી જ સ્પષ્ટ કરવા માંગુ છું કે મને નેતૃત્વ વિશે કોઈ લેસન મળ્યા નથી, હું તેના માટે લાયક છું કે એ પણ ખબર નથી, હું અહીં એક વિદ્યાર્થી તરીકે આવ્યો છું.”
ટોગેએ કહ્યું, “વડાપ્રધાન મોદી, હું તમારામાં એક મોટા ભાઈની છબી જોઉં છું, જે હંમેશા મને માર્ગદર્શન આપે છે અને મદદ કરે.”