સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીની આત્મહત્યાના કેસમાં સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા તેમની મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની ધરપકડ કરવામાં આવી છે. પૂનમ પર તુષાર ઘેલાણીને આત્મહત્યા કરવા પ્રેરિત કરવાનો અને લાંબા સમયથી આર્થિક રીતે બ્લેકમેઈલ કરવાનો ગંભીર આરોપ છે.
2010થી સંપર્ક, પછી વધી નજીકતા
પોલીસ તપાસ મુજબ, પૂનમ ભદોરિયા વર્ષ 2010માં તુષાર ઘેલાણીની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે જોડાઈ હતી. સમય જતાં બંને વચ્ચે મિત્રતા વધી હતી. પરિવારના આક્ષેપો અનુસાર, આ સંબંધ બાદ પૂનમ તુષારભાઈને સતત માનસિક દબાણ હેઠળ રાખતી હતી અને મોટી રકમની આર્થિક લેવડદેવડ કરતી હતી.
દીકરીના લગ્નના દિવસે ધમકીનો આક્ષેપ
પરિવારે દાવો કર્યો છે કે પૂનમે તુષાર ઘેલાણીને તેમની દીકરીના લગ્નના દિવસે બદનામ કરવાની અને આબરૂ ખરડવાની ધમકી આપી હતી. આ ઘટનાએ તુષારભાઈને ભારે માનસિક આઘાત પહોંચાડ્યો હતો. 1 ફેબ્રુઆરીએ તેમણે પોતાની જાતને ગોળી મારી હતી. પાંચ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. 1990થી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત પ્રતિષ્ઠિત બિલ્ડરના અચાનક અવસાનથી સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી.
દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો, મોબાઈલ FSLમાં મોકલાયો
સુરત પોલીસે પરિવારની અરજી અને રજૂ થયેલા પુરાવાના આધારે પૂનમ ભદોરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે. પોલીસે વધુ તપાસ માટે તેમનો મોબાઈલ ફોન FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલ્યો છે. તપાસ દરમિયાન આર્થિક વ્યવહારો અને સંભવિત ડિજિટલ પુરાવા અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે. પોલીસ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી વધુ વિગતો જાહેર કરશે.
નોંધનીય છે કે પૂનમ ભદોરિયાએ અગાઉ તુષાર ઘેલાણીના પરિવાર પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, પરિવાર તેમની પ્રતિષ્ઠા જાળવતો ન હતો અને માત્ર આર્થિક લાભ માટે સંબંધ જાળવી રાખતો હતો. હાલ પોલીસ બંને પક્ષોના દાવાઓની તટસ્થ તપાસ કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel