નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)એ આજે બુધવારે ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટર્સ વચ્ચેનું ગઠબંધન તોડવા દેશના ૬ રાજ્યોના કુલ મળી ૫૧ સ્થળે દરોડા પાડયા છે. આ સાથે તે તપાસ સંસ્થાએ તે બધા સાથે જોડાયેલા ડ્રગ અને હવાલા કૌભાંડને પણ પકડી પાડયું છે.
એક તરફ કેનેડાએ હરદીપસિહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આક્ષેપ મુક્યો છે તો સામે ભારતે કેનેડા પાસે આધારભૂત પુરાવા માગ્યા છે. આ વિવાદ વચ્ચે આ દરોડાઓ સહજ રીતે ધ્યાન ખેંચે છે. દરોડાઓ કયા રાજ્યોમાં, કેટલે સ્થળે પડાયા તેની યાદી આ પ્રમાણે છે, પંજાબ- ૨૦, રાજસ્થાન- ૧૩, હરિયાણા- ૪, ઉત્તરાખંડમાં- ૨ સ્થળે આ દરોડા પાડવામાં આવ્યા છે.
આ પૂર્વે એનઆઇએએ ૧૯ ભાગેડુ ખાલીસ્તાનીઓની યાદી પણ જાહેર કરી છે તે બધા યુ.કે., યુ.એસ. કેનેડા, દુબઈ અને પાકિસ્તાનમાં આશ્રય લઈ રહ્યા છે તેમાં શિખ ફોર જસ્ટીસનો સ્થાપક (ખાલીસ્તાન તરફી જૂથ)નો વડો ગુરવતસિંઘ પન્નુ તથા હત્યા કરાયેલા હરીપસિંહ નિજ્જર પણ સામેલ છે.
આ બધા ત્રાસવાદીઓ ઉપર ‘અન લૉ-ફૂલ એક્ટિવિટીઝ (પ્રીવેન્શન) એક્ટ (યુપીએ) નીચે આરોપો મુકવામાં આવ્યા છે. આ પૂર્વે બબ્બર ખાલસા ઇન્ટરનશનલ (બી.કે.આઇ.) (દરેક માટે) માહિતી આપનારને રૃા. ૫ લાખના ઇનામની જાહેરાત કરી હતી.’