રેલવે દેશના વિકાસમાં ઘણુ મોટું યોગદાન આપી રહી છે. ભારતીય રેલવેના વિકાસની સાથે સાથે દેશના અનેક અનેક ક્ષેત્રોનો વિકાસ થઈ રહ્યો છે. ભારતીય રેલવે સતત પરિવર્તન અને વિસ્તરણના તબક્કામાંથી પસાર થઈ રહી છે.
વધુ સારી રેલવે ટ્રેનમાં મુસાફરી કરવાથી સામાન્ય લોકોનું જીવન ખૂબ જ સરળ બની ગયું છે. ભારતમાં રાજધાની, શતાબ્દી, તેજસ અને વંદે ભારત એક્સપ્રેસ જેવી ટ્રેનોનો ઘણો ક્રેઝ છે.
આ ઉપરાંત બુલેટ ટ્રેનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન ભારતમાં ટૂંક સમયમાં પાણીથી ચાલતી ટ્રેન એટલે કે હાઇડ્રોજન ટ્રેન શરૂ થવા જઇ રહી છે.આ ટેકનિકમાં હાઈડ્રોજન અને ઓક્સિજનને મિશ્રિત કરી વીજળીનું સર્જન કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે આ હાઈડ્રોજન ટ્રેનને ડિસેમ્બર 2024માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી શકે છે. જે અંતર્ગત પ્રતિ કલાક આશરે 40 હજાર લીટર પાણીનો વપરાશ થશે. વીજળી અને ડીઝલ વિના ચાલનારી આ ટ્રેન પ્રદુષણ મુક્ત હશે.ભારતીય રેલવેમાં આ એક માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલ્વેએ વર્ષ 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જક બનવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ સ્થિતિમાં હાઇડ્રોજન ટ્રેન ચલાવવાનો નિર્ણય આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. કોચ ક્યાં બનાવવામાં આવી રહ્યા છે? અત્યારે હાઈડ્રોજન ટ્રેન પર કામ ચાલી રહ્યું છે અને તેના ટ્રાયલ આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થવાની ધારણા છે. આ ટ્રેનનો કોચ કપૂરથલાની રેલવે ફેક્ટરીમાં બનાવવામાં આવી રહ્યાં છે.
વર્તમાન સમયમં તેનો રૂટ નક્કી થયો નથી. જીંદથી સોનીપત સુધીના 90 કિલોમીટરના અંતરમાં ટ્રાયલ કરવામાં આવે તેવી ધારણા છે. મળતી માહિતી પ્રમાણે પહેલી હાઇડ્રોજન ટ્રેન લગભગ 100 કિલોમીટરનું અંતર કાપશે. આ ઉપરાંત આ ટ્રેન ડીઝલ એન્જિનની ટ્રેનોની સરખામણીમાં અવાજ પણ ઓછો કરશે.