ભારત હાલ ટેકનોલોજી ક્ષેત્રે અને મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વમાં એક નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. એવામાં ભારત માટે ખૂબ સારા સમાચાર મળી રહ્યા છે કે, ઉદ્યોગપતિ રતન ટાટાનું ટાટા ગ્રૂપ ટૂંક સમયમાં મોબાઈલ ફોન બનાવવાના બિઝનેસમાં પ્રવેશવા જઈ રહ્યું છે. ટાટા ગ્રુપ ટૂંક સમયમાં આઈફોનનું ઉત્પાદન શરૂ કરી શકે છે. કંપની એપલ સપ્લાયર વિસ્ટ્રોન કોર્પ સાથે વાતચીત કરી રહી છે.
ટાટા ગ્રુપ આઈફોન બનાવનારી દેશની પ્રથમ કંપની બનશે
ટૂંક સમયમાં બંને વચ્ચે ડીલ થઈ શકે છે. જો ડીલ ફાઈનલ થઈ જશે તો ટાટા ગ્રુપ આઈફોન બનાવનારી દેશની પ્રથમ કંપની બની જશે. iPhone નિર્માતા વિસ્ટ્રોનનો પ્લાન્ટ કર્ણાટકમાં છે. ડીલ થયા બાદ ટાટા કર્ણાટકમાં પ્લાન્ટને ટેકઓવર કરી શકે છે. ટાટાનું આ પગલું ચીનને ટક્કર આપશે.
કંપની આવનારા સમયમાં કર્મચારીઓની સંખ્યા ત્રણ ગણી વધારશે
તાઈવાનની વિસ્ટ્રોન કંપની કોન્ટ્રાક્ટ પર ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવે છે. તાજેતરમાં, કંપનીએ કર્ણાટક પ્લાન્ટમાંથી આ વર્ષે $1.8 બિલિયનના આઇફોન બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કંપની આવું કરવા માંગે છે જેથી તેને સરકારી પ્રોત્સાહન મળી શકે. તે જ સમયે, કંપની આવતા વર્ષ સુધીમાં તેના કર્મચારીઓની સંખ્યા ત્રણ ગણી વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
મેડ ઈન ઈન્ડિયા આઈફોન ટૂંક સમયમાં માર્કેટમાં જોવા મળશે
વિસ્ટ્રોન ભારતમાં આઈફોન મેન્યુફેક્ચરિંગમાંથી બહાર નીકળવા માંગે છે. જે બાદ હવે ટાટાએ આ કંપનીને ખરીદવામાં રસ દાખવ્યો છે. જો કે ટાટા, વિસ્ટ્રોન અને એપલે આ અંગે કંઈપણ પુષ્ટિ કરી નથી. માહિતી મુજબ ટાટા અને વિસ્ટ્રોન વચ્ચે વાતચીત ચાલી રહી છે. તેઓ ઓગસ્ટમાં ડીલને અંતિમ સ્વરૂપ આપી શકે છે. જો ટાટાની આ ડીલ થશે તો ટાટા ભારતમાં iPhone બનાવનારી પ્રથમ કંપની બની જશે. આ સાથે જ મેડ ઈન ઈન્ડિયા આઈફોન ટૂંક સમયમાં માર્કેટમાં જોવા મળશે.