કેન્દ્ર સરકારે વિઝા જારી કરવાની પ્રક્રિયામાં ઐતિહાસિક સુધારા અને ઝડપ લાવતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે જો અરજદાર તમામ જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે અને સંપૂર્ણતા સાથે રજૂ કરે, તો તેમને માત્ર એક જ દિવસમાં ભારતનો વિઝા આપવામાં આવશે. આ પગલાથી વિદેશી નાગરિકોને ભારત આવવા માટેની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે, તેમજ પ્રવાસન, વેપાર અને રોકાણ ક્ષેત્રમાં સકારાત્મક અસર પડશે.
વિઝા પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સરકારએ બે નવા પોર્ટલ — જિલ્લા પોલીસ મોડ્યુલ (DPM) અને ફોરેનર્સ આઈડેન્ટિફિકેશન પોર્ટલ (FIP) — શરૂ કર્યા છે. આ પોર્ટલ દ્વારા ગેરકાયદે પ્રવેશ કરનાર અને વિઝાની મુદત પૂરી થયા બાદ પણ દેશમાં રોકાયેલા વિદેશીઓ પર વધુ અસરકારક રીતે નજર રાખી શકાશે.
કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારએ તાજેતરમાં ફોરેનર્સ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિઝા સરળીકરણ, ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સના આધુનિકીકરણ અને અન્ય સંબંધિત નીતિઓ પર ચર્ચા કરી. બેઠક દરમિયાન અધિકારીઓએ મંત્રીને જણાવ્યું કે મુખ્ય વિઝા કેટેગરીની સંખ્યા 26 થી ઘટાડીને 22 કરી દેવામાં આવી છે અને સબ-કેટેગરીની સંખ્યા 104 થી ઘટાડી 69 કરી દેવામાં આવી છે. આ ઘટાડા અને નીતિમાં કરાયેલા ફેરફારોના કારણે વિઝા જારી થવામાં લાગતો સરેરાશ સમય, જે અગાઉ કેટલાય અઠવાડિયા હતો, હવે એક દિવસથી પણ ઓછો થઈ ગયો છે.
ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સના આધુનિકીકરણ માટે સરકારએ સ્વચાલિત મુસાફરી દસ્તાવેજ સ્કેનિંગ અને બાયોમેટ્રિક નોંધણી જેવી અદ્યતન ટેકનોલોજી સુવિધાઓ લાગુ કરી છે. 2014માં જ્યાં ICP (Immigration Check Post) ની સંખ્યા 82 હતી, તે હવે વધીને 114 થઈ ગઈ છે. મુસાફરોના અનુભવને વધુ સુવિધાજનક બનાવવા માટે ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ હેઠળ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચી અને અમદાવાદ એરપોર્ટ પર ફાસ્ટ-ટ્રેક ઇમિગ્રેશન પ્રક્રિયા અમલમાં મૂકાઈ છે. અહીં પ્રી-વેરિફાઈડ મુસાફરોને માત્ર એક મિનિટમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ મળી જશે.
સરકારની યોજના છે કે આ સુવિધા ટૂંક સમયમાં કોઝિકોડ, લખનઉ, તિરુવનંતપુરમ, અમૃતસર, તિરુચિરાપલ્લી, નોઇડા અને નવી મુંબઈ એરપોર્ટ સુધી વિસ્તરાવવામાં આવશે, જેથી સમગ્ર દેશમાં વિદેશી પ્રવાસીઓ અને રોકાણકારો માટે ભારત પ્રવેશ વધુ ઝડપી, પારદર્શક અને સુરક્ષિત બને.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel