મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવવાના મામલે હવે વડાપ્રધાન મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. પત્રકારોને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મણિપુરની ઘટના ખરેખર શરમજનક છે. કોઈ દોષિતને છોડવામાં નહીં આવે. આ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. મારા હૃદયમાં ઘણો ક્રોધ અને પીડા છે. હું દેશને વિશ્વાસ અપાવું છું કે કોઇ દોષિતને બખ્શવામાં નહીં આવે.
Speaking at the start of the Monsoon Session of Parliament. https://t.co/39Rf3xmphJ
— Narendra Modi (@narendramodi) July 20, 2023
મણિપુરનો વીડિયો વાયરલ, સરકારે કહ્યું – વીડિયો શેર ન કરશો
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં એક વીડિયો વાયરલ થયો છે જેને લઈને દેશભરમાં રોષની સ્થિતિ જોવા મળી રહી છે. તેમાં જોઈ શકાય છે કે કેટલાક હિંસક લોકો બે મહિલાઓને નગ્ન કરીને લઈ જઈ રહ્યા છે અને તેમના શરીર સાથે અડપલાં પણ કરી રહ્યાં છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ બંને મહિલાઓ સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ અપાયો હતો. આ મામલે સરકારે આદેશ જાહેર કર્યો હતો કે મણિપુરનો આ વીડિયો વાયરલ કે શેર ન કરવામાં આવે.
પીએમ મોદીએ કહ્યું, મારું હ્રદય પીડાથી ભરાઈ ગયું
પીએમ મોદીએ કહ્યું, મારું હ્રદય પીડાથી ભરાઈ ગયું છે. ક્રોધથી ભરાઈ ગયું છે. મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક છે. કોણ પાપી છે, ગુનાખોરી કરનારા કોણ છે, આ બધુ અલગ વાત છે પણ અપમાન આખા દેશનું થઈ રહ્યું છે. 140 કરોડ દેશવાસીઓનું માથું શરમથી નમી ગયું છે.
તમામ રાજ્યો કાયદો વ્યવસ્થા મજબૂત કરે
પીએમે કહ્યું, હું તમામ મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત કરે. ખાસ કરીને અમારી માતાઓ અને બહેનોની સલામતી માટે સખત પગલાં લો. ઘટના રાજસ્થાન, છત્તીસગઢ કે મણિપુરની હોય. આ દેશમાં, ભારતના કોઈપણ ખૂણામાં, કોઈપણ રાજ્ય સરકારમાં, રાજકારણથી ઉપર ઉઠીને, કાયદો અને વ્યવસ્થા અને મહિલા સન્માનનું મહત્વ હોવું જોઈએ.
સંસદ સત્ર સુચારુ રીતે ચલાવવા તમામ પક્ષોને સહયોગની કરી અપીલ
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તમામ સાંસદો અને સંસદના બંને ગૃહોને સુચારુ રીતે ચલાવવા માટે સહયોગ કરવા અપીલ કરી હતી. તેમણ કહ્યું કે અમે આ વખતે સંસદમાં કામના બિલો લાવીશું. જે પ્રજાના હિતોને આધારિત હશે. મારી તમામ પક્ષોને અપીલ છે કે તેઓ અમને આ બિલ પાસ કરવામાં સહયોગ કરે.